અમરેલીમાં તાંડવ વેબસીરીઝ સામે વિહીપ દ્વારા ફરિયાદ

  • અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં વિશ્ર્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ શ્રી હસમુખ દુધાતે વેબસીરીઝના એક્ટર સૈફ અલીખાન સહિતના યુનિટ સામે ફરિયાદ આપી
  • સૈફ અલીખાન, ડાયરેકટર અલી અબ્બાસ ઝફર, એમેઝોનના અર્પણા પુરોહીત, હેમાંશુ ક્રિષ્ના મહેરા, ગૌરવ સોલંકી સામે હુલ્લડ ફેલાય તેવુ કૃત્ય કર્યાની રાવ

અમરેલી, ઉતરપ્રદેશમાં વેબસીરીઝ તાંડવ સામે પોલીસ ફરિયાદ દાખલ થયા બાદ દેશભરમાં વિરોધનો વંટોળ ઉઠયો છે ત્યારે અમરેલીમાં પણ વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા વેબસીરીઝ તાંડવના એક્ટર સહિતના સ્ટાફ અને તે જેના ઉપર મુકાય છે તે એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના કન્ટેન્ટ હેડ સહિતના લોકો સામે આઇપીસી 153 એ, 295, 505 (1) બી, 469 પ્રમાણે પગલા લેવાની માંગણી સાથે અમરેલી સીટી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે.
પોલીસમાં અપાયેલી ફરિયાદમાં વિહીપના ઉપાધ્યક્ષ અને કંટ્રકશનનું કામ કરતા શ્રી હસમુખભાઇ શંભુભાઇ દુધાતે જણાવ્યુ છે કે, હાલમાં રીલીઝ થયેલ તાંડવ વેબસીરીઝ જેના એક્ટર સૈફ અલીખાન છે અને અલી અબ્બાસ ઝફરે ડાયરેક્શન કરેલ છે અને તે જેના ઉપર આવી રહી છે તે એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાના ઓરીજનલ કન્ટેન્ડ હેડ અર્પણા પુરોહીત, પ્રોડયુસર હેમાંશુ ક્રિષ્ના મહેરા અને રાઇટર ગૌરવ સોલંકી સહિતના લોકોએ તાંડવ નામની વેબસીરીઝ બનાવી તેનું પ્રસારણ કરેલ છે જેમાં અમારા હિન્દુ ધર્મની લાગણીને ઠેસ પહોંચાડેલ હોય આ વેબસીરીઝમાં ધાર્મિક અને જાતીય અંગેની વાતો કરી હિન્દુઓની ભાવનાને ઠેસ પહોંચાડેલ હોય જેનાથી ધાર્મિક હુલ્લડો ફેલાય તેવો માહોલ ઉભો થાય તેમ હોવાને કારણે અને વેબસીરીઝમાં હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરી હિન્દુ સનાતન ધર્મનું અપમાન કરેલ હોય જેથી સીરીઝ બનાવનાર અને સાથ સહકાર આપનાર તમામ સામે ગુનો દાખલ કરી વેબસીરીઝ તાત્કાલીક બંધ કરાવવા અને આરોપીઓને જેલમાં બેસાડવા માંગણી કરી છે.