અમરેલીમાં નાનપણમાં મિત્રનું ખુન કરી ફરાર થયેલ શખ્સને 23 વર્ષે શોધી કાઢતી પેરોલફર્લો સ્કવોર્ડ

અમરેલી,
એક વખત અપરાધ કરો તો અપરાધનો પડછાયો 100 વર્ષ સુધી પીછો નથી મુકતો અને કાયદો લાંબા સમયે પણ હાથ લંબાવી અપરાધીને સકંજામાં લે છે તેવો એક અભુતપુર્વ કિસ્સો સામે આવ્યો છે જેમાં નાનપણમાં સામાન્ય તકરારમાં મિત્રનું છરીથી ખુન કરી 23-23 વર્ષથી કોર્ટના પકડ વોરંટથી બચવા ફરાર થઇ ગયેલ શખ્સ અંતે અમરેલીની પેરોલફર્લો સ્કવોર્ડના હાથમાં સપડાયો હતો.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે એસપીશ્રી હિમકરસિંહે ફરારી આરોપીઓને પકડવા માટે અમરેલીની પેરોલફર્લો સ્કવોર્ડના પીએસઆઇ શ્રી આર.ડી. દીવાકરને સુચના આપી હોય શ્રી દીવાકર તથા ફર્લો સ્કવોર્ડના શ્રી શ્યામકુમાર બગડા, શ્રી બ્રીજરાજસિંહ વાળા, શ્રી જીજ્ઞેશ પોપટાણી, શ્રી જયપાલસિંહ ઝાલા અને શ્રી જીતુભાઇ મકવાણાની ટીમે 1999 ની સાલથી અમરેલીની કોર્ટ દ્વારા પકડ વોરંટ જેનું નીકળ્યુ હતુ તેવા ફરાર આરોપી કિશોર ઉર્ફે કિરીટ ઉર્ફે કીટો પોપટભાઇ ચૌહાણનું નામ લીસ્ટમાં જોઇ અને તેના માટે તપાસ શરૂ કરતા તેમને બાતમી મળી હતી કે આ શખ્સ ધારીના હીમખીમડીપરા વિસ્તારમાં છે જેથી આ ટીમે ત્યાં જઇ આ શખ્સને પકડી પાડી કોર્ટ સમક્ષ રજુ કર્યો હતો.
જાણવા મળતી પ્રાથમિક માહિતી અનુસાર 1997 ની સાલમાં અમરેલીના રોકડીયાપરામાં કિશોર રહેતો હતો અને તેમના એક મિત્ર સાથે ગાળો બોલવા બાબતે બોલાચાલી થતા છરી મારી દેતા તેના મિત્રનું મૃત્યુ થયુ હતુ પણ તે સમયે આ શખ્સની ઉમર 15 વર્ષની હતી જેથી તે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ગણાતો હોય તેના વાલી જામીન થતા જામીન ઉપર છુટેલ અને આ કેસ સીસીએલ કોર્ટમાં ચાલતા તે 1999 થી પકડ વોરંટ નીકળતા ફરાર હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર પકડ વોરંટ નીકળ્યા બાદ કિશોર અલગ અલગ ગામોમાં રહેતો હતો અને ત્યાં પોતાનું નામ અને ઓળખ ફેરવી નાખ્યા હતા તે ભેસાણ સહિતના બીજા વિસ્તારોમાં પણ જુદા નામે રહેતો હતો અને 99 ની સાલ આસપાસ તે પુખ્ત પણ થઇ ગયો હતો અને ભેસાણમાં પણ થોડો સમય રહયો હતો આ અરસામાં તેમણે સાવરકુંડલા લગ્ન પણ કર્યા હતા અને સાતેક વર્ષથી ધારીના હીમખીમડી વિસ્તારમાં બનાવટી નામ રાખી રહેતો હતો પણ પાપ છે એ પોકારે એ ન્યાયે પોલીસની કાર્યનિષ્ઠાએ તેમને શોધી લીધો હતો અને રસપ્રદ બાબત એ પણ સામે આવી હતી કે તે 23 વર્ષે હાથમાં આવતા તેમની ઉમર 43 વર્ષની થઇ છે અને તેને તેમના ભાઇ સહિતનો પરિવાર પણ ઓળખી શકેલ નહી.