અમરેલીમાં પટેલ સમાજની ભવ્ય અત્યાધુનિક વાડી બનશે

અમરેલી,

લેઉઆ પટેલ સમાજની મહાન પરંપરાની ઐત્તિહાસિક ધરોહર અમરેલી છે. અમરેલીમાં પટેલ સમાજના પરિવારો વિવિધ સામાજિક પ્રસંગો ઓછા ખર્ચે માણી શકે એ માટે ભવ્યાતિભવ્ય અને અત્યાધુનિક વાડીના નિર્માણ માટેની ઓયાજન બેઠક સમાજના મોભીઓ અને શ્રી દિલીપભાઈ સંઘાણીના વડપણ હેઠળ યોજવામાં આવી. અમરેલી શહેરના કેરિયા રોડ સ્થિત પટેલ કન્યા છાત્રાલયમાં યોજાયેલ આયોજન બેઠકમાં વિવિધ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. આજના સમયની જરૂરિયાત અને આગામી સમયની અત્યાધુનિકતાને પારખીને સુંદર અને કલાત્મક પટેલ સમાજનું પરિસર બનાવવું. જેમાં સામાજિક વિવિધ પ્રસંગો ખાસ કરીને લગ્ન જેવા મોટા પ્રસંગો ઉજવી શકાય એ અનુસંધાને ભવનનું નિર્માણ કરવું. સમયાનુસાર સામાજિક, શૈક્ષણિક અને રમત ગમત જેવી પ્રવૃતિઓને વેગ મળી રહે તે માટે વિશાળ મેદાન સાથેનું ભવન બનાવવું. જે પાર્કિંગની સાથે આ પ્રકારની પ્રવૃતિઓમાં ઉપયોગમાં લઈ શકાય. લેઉઆ પટેલ સમાજનું ગૌરવ એવા શ્રી દિલીપભાઈ સંઘાણીનો સંકલ્પ રહ્યો છે ક્યાંય ન હોય એવી નમુનારૂપ પટેલ સમાજની વાડી અમરેલીમાં તૈયાર થાય. તેમના નેતૃત્વમાં યોજાયેલી આ બેઠકમાંશ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, આપણા પૂર્વજોએ આપણને ઐતિહાસિક વારસો આપ્યો છે. સુખ, સમૃદ્ધિ અને સહકારવાળી જીવનપ્રણાલી આપણને મળી છે. આપણી ફરજ બને છે કે સમયાનુસાર પરિવર્તનને ધ્યાનમાં રાખીને આપણે સાથે મળીને એવું નિર્માણ કરીએ કે આવનારી પેઢી માટે એ પ્રેરણાનું પ્રતીક બને. આ વાડીને માત્ર વાડી તરીકે ન જોતા પણ આપણા સમાજની એકતાનું મંદિર બનશે. આપણને અવસર મળ્યો છે, આપણે ભાગ્યશાળી છીએ કે સમાજના વિકાસઅર્થે તન, મન અને ધનથી સેવા કરવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું છે. સંસ્કાર, સહકાર અને સેવા, આ ત્રિવેણી સંગમનું પ્રતીક છે આપણા સમાજની નિર્માણ થનારી વાડી સમાજના મોભીઓએ વિવિધ પ્રસ્તાવો સાથે ચર્ચા વિમર્શ કરી હતી. અમરેલી શહેરને જોડતા રાજમાર્ગો પર વાડીનું નિર્માણ કરવુ, જેથી સૌને સરળતા રહે અને ટ્રાફિક જેવી સમસ્યાઓમાંથી મુક્તિ પણ મળે. લેઉઆ પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ, ખોડલધામ, સરદાર ધામ સહિત લેઉઆ પટેલ સમાજ સાથે સંકળાયેલા યુવા સંગઠનો, સામાજિક સંસ્થાઓના આગેવાનોએ શ્રી દિલીપભાઈ સંઘાણીના સંકલ્પને સાર્થક કરવા માટે હુંકાર ભણી હતી. આ બેઠકમાં સમાજના સન્માનીય અગ્રણી શ્રી વિરજીભાઈ ઠુમ્મર, શ્રી પરેશભાઈ ધાનાણી, શ્રી જે વી કાકડીયા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, શ્રી મહેશભાઈ કસવાલા, શ્રી પ્રતાપભાઈ દુધાટ, શ્રી જનકભાઈ તળાવિયા, શ્રી ડી કે રૈયાણી, શ્રી પી પી સોજીત્રા અને શ્રી અશ્વિનભાઈ સાવલિયા સહિતના ઓએ પ્રતિભાવ આપતા શ્રી દિલીપભાઈ સંઘાણીના સમાજની વાડી બનાવવાના વિચારને આવકારીને મદદ કરવાની ખાતરી આપી .