અમરેલીમાં પણ કોરોનાનાં સામાન્ય દર્દીઓને ઘરમાં સારવાર આપવા વિચારણા : કલેકટરશ્રી આયુષ ઓક

  • ક્રિટીકલ હાલતના દર્દીઓને સઘન સારવાર મળે તેવા હેતુથી સુરત, મુંબઇ અને અમદાવાદની જેમ
  • ગાઇડલાઇન પ્રમાણે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જો તેમના ઘેર જગ્યાની સગવડ હોય અને ઘરના યુવાન કેર ટેકર જવાબદારી લે તો ઘરમાં જ સારવાર : તબીયત લથડેતો તુરંત એમ્બ્યુલન્સ

અમરેલી,(ડેસ્ક રિપોર્ટર)
કોરોનાનાં ક્રિટીકલ હાલતના દર્દીઓને સઘન સારવાર મળે તેવા હેતુથી સુરત, મુંબઇ અને અમદાવાદની જેમ અમરેલીમાં પણ કોરોનાનાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ઘરમાં સારવાર આપવા વિચારણા કરાઇ રહી હોવાનું કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યુ હતુ. તેમણે જણાવેલ કે કોવિડ 19 ની ગાઇડલાઇન પ્રમાણે હળવા લક્ષણો ધરાવતા દર્દીઓને જો તેમના ઘેર જગ્યાની પુરતી સગવડતા હોય અને એટેચ ટોયલેટ સહિતની અલગ સગવડતા હોય તો તથા ઘરના યુવાન સભ્ય કેર ટેકર તરીકે જવાબદારી લે તો સામાન્ય બિમારી વાળા કોરોનાના દર્દીની સેલ્ફ ડેકલેરશન સહિતની ગાઇડલાઇન મુજબ ઘરમાં જ સારવાર આપવાનો પ્રારંભ પણ અમરેલીમાં કરવાની વિચારણા છે. અને ઘેર સારવાર લઇ રહેલા દર્દીની જો તબીયત લથડેતો કંટ્રોલરૂમને કોલ આવે કે તુરંત એમ્બ્યુલન્સ દર્દીને લઇ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરે તેવું આયોજન થનાર છે.
આ આયોજનને કારણે કોરોનાની હોસ્પિટલમાં સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ બેડ ઉપર હોય અને ગંભીર હાલતના દર્દીઓને જગ્યા ન મળે અને હોસ્પિટલ ફુલ થઇ જાય તેવી સ્થિતી નીવારી શકાય તેમ છે તેના કારણે અમદાવાદ, સુરત, મુંબઇની જેમ અમરેલીમાં પણ જો હોસ્પિટલમાં જગ્યા ઘટે તો આ પ્રમાણેનું આયોજન કરાયુ છે તેમાં પણ સાવ સામાન્ય દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં રાખવામાં આવશે અને જેમના ઘેર સગવડ હોય તેને ઉપર મુજબ ઘરમાં આઇસોલેટ કરી સારવાર આપવામાં આવશે.