અમરેલીમાં પાલિકાના જંગ માટે ભાજપ કોંગ્રેસ મેદાનમાં

  • ભાજપ દ્વારા શહેરના 11 વોર્ડમાં બેઠકો અને સંગઠનનું ગઠન થઇ ગયું : કોંગ્રેસની આજે બેઠક
  • ગત ચુંટણીમાં અમરેલીએ ભાજપના સુપડા સાફ કરી કોંગ્રેસને બહુમતી આપેલ પાલિકા કબ્જે કરવા શ્રી તુષાર જોષી અને શ્રી લલીત ઠુંમર દ્વારા તડામાર તૈયારી
  • નવેમ્બરના અંતમાં અમરેલી નગરપાલિકાની મુદત પુરી થાય છે : આવનારી ચુંટણીમાં નગરપાલિકા કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે

અમરેલી,
અમરેલી નગરપાલિકાની ચુંટણી ગમે ત્યારે જાહેર થનાર છે ત્યારે ભાજપના સંગઠન દ્વારા શહેરના 11 વોર્ડમાં બેઠકો અને સંગઠનનું ગઠન થઇ ગયું છે જ્યારે કોંગ્રેસની આજે બેઠક મળનાર છે અને અમરેલીમાં પાલિકાના જંગ માટે ભાજપ કોંગ્રેસ મેદાનમાં ઉતરી ગયા છે.
આજે શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી લલીત ઠુંમર દ્વારા નગરપાલિકાની ચુંટણીને અનુલક્ષી શહેર કોંગ્રેસની ખાસ મિટીંગનું આયોજન કરાયુ છે જેમાં તમામ હોદેદારો ચુંટાયેલા સભ્યો તેમજ નગરપાલિકા લડાયેલા કાર્યકરોને બોલાવાયા છે આજે સાંજે 4 વાગ્યે જુના માર્કેટયાર્ડમાં કોંગ્રેસ કાર્યાલય ખાતે આ બેઠક યોજાનાર છે.
નગરપાલિકાની ગત ચુંટણીમાં અમરેલી શહેરે ભાજપના સુપડા સાફ કરી નાખી કોંગ્રેસને તોતીંગ બહુમતી આપેલ આ વખતે અમરેલી નગરપાલિકા કબ્જે કરવા અમરેલી શહેર ભાજપ પ્રમુખ શ્રી તુષાર જોષી અને અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી લલીત ઠુંમર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે અત્રે ઉલ્લેખનીય છે કે આવતા નવેમ્બરના અંતમાં અમરેલી નગરપાલિકાની મુદત પુરી થાય છે અને હવે આવનારી ચુંટણીમાં અમરેલી નગરપાલિકા કબ્જે કરવા ભાજપ અને કોંગ્રેસ એડીચોટીનું જોર લગાવશે.