અમરેલીમાં પોલીસકર્મી સામે આવક કરતાં વધુ સંપત્તિ મળતા ફરિયાદ નોંધાઈ

અમરેલી એસીબીમાં આવક કરતાં વધુ સંપત્તિ સામે આવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે. બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસકર્મી પાસે આવક કરતા ૬૬.૧૧ ટકા વધુ સંપત્તિ મળી આવતા એસીબીમાં ફરિયાદ થઈ છે. જેથી એસીબીએ સમગ્ર મામલે જુદી-જુદી દિશામાં તપાસ હાથ ધરી છે. બોટાદ હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા ધર્મેન્દ્રસિંહ જાડેજા સામે એસીબીમાં ફરિયાદ નોંધાઈ છે. આવક કરતા ૬૬.૧૧ ટકા એટલે કે ૬૪ લાખ ૧૪ હજાર ૮૮૬ રૂપિયાની ગેરકાયદેસર આવક થઈ હોવાનું સામે આવ્યું છે.
આવક કરતા વધુ સંપત્તિને લઈને એસીબી દ્વારા ઉંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ધર્મેન્દ્રસિંહ જાડેજાની સંપત્તિની પ્રાથમિક તપાસ દરમિયાન ધર્મેન્દ્રસિંહની અને તેના પત્નીના નામે રહેલી મિલકત અંગેના પુરાવા એકત્ર કરવામાં આવ્યાં હતાં. જેમાં તેની આવકના સાધનોમાંથી થયેલી કુલ આવક ૧ કરોડ ૧૮ હજાર ૩૩૮ની સામે કુલ રોકાણ ૧ કરોડ ૬૪ લાખ ૨૩ હજાર ૨૨૪ રૂપિયા થયેલી હોવાનું સામે આવ્યું હતું. જેથી ૬૪ લાખ ૧૪ હજાર ૮૮૬ની અપ્રમાણસર મિલકતો વસાવવામાં આવી હોવાનું સામે આવતા પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાઈ છે.