અમરેલીમાં પોલીસે કામ શરૂ કર્યુ : પાલિકા ક્યારે શરૂ કરશે?

  • પોલીસે ટ્રાફિકની સાફ સફાઇ કરી : નગરપાલિકા રોડની સાઇડમાં જામેલી ધુળો ક્યારે ઉપાડશે ? 
  • તહેવારો દરમિયાન શહેરમાં ભીડ ન જામે અને લોકો સરળતાથી હરી ફરી શકે તે માટે રોડની સાઇડમાં ઉભા રહેતા લારી ગલ્લાઓને નિયમ પ્રમાણે ફરતા કરવામાં આવ્યા
  • પોલીસની કામગીરીથી શહેરની સડકો પહોળી દેખાઇ : નગરપાલિકા દ્વારા સાથે સાથે સ્વચ્છતા શરૂ કરાય તો અમરેલીમાં તહેવાર દેખાશે : સુધરાઇ સભ્યો જાગે,આગળ આવે

અમરેલી,
અમરેલી શહેરમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયની સુચનાથી પોલીસે ટ્રાફીકની સાફ સફાઇ કરી હતી અને સાંજે 6 વાગ્યે એસપીશ્રીએ અમરેલી શહેરની સડકો ઉપર ટ્રાફીક વ્યવસ્થા નીહાળી હતી પોલીસ તો તેની ફરજ બજાવે છે પણ નગરપાલિકા રોડની સાઇડમાં જામેલી ધુળો ક્યારે ઉપાડશે ? તેવો સવાલ હવે શહેરીજનો કરી રહયા છે.
તહેવારો દરમિયાન શહેરમાં ભીડ ન જામે અને કોરોનામાં સંક્રમણ ન ફેલાય તેવી રીતે લોકો સરળતાથી હરી ફરી શકે તે માટે રોડની સાઇડમાં ઉભા રહેતા લારી ગલ્લાવાળાઓને ઉભા રહેવાને બદલે નિયમ પ્રમાણે ફરતા કરવામાં આવ્યા છે.
જેનાથી તેની રોજી પણ મળી રહે અને લોકોને પણ અસુવિધા ન પડે પોલીસે નિયમ પ્રમાણેનો અભિગમ અપનાવી લારી ગલ્લાવાળાઓને તહેવારમાં પરેશાન કરવાને બદલે કાયદાનું પાલન કરવાની તાકિદ કરતા પોલીસની કામગીરીથી શહેરની સડકો પહોળી દેખાઇ હતી.
અને હવે નગરપાલિકા દ્વારા સાથે સાથે સ્વચ્છતા શરૂ કરાય તો અમરેલીમાં તહેવાર દેખાશે અમરેલીના તમામ સુધરાઇ સભ્યો જાગે અને આગળ આવે અને પોત પોતાના વિસ્તારમાં તેમની લોક પ્રતિનિધી તરીકેની ફરજ બજાવે તેમ લોકો ઇચ્છી રહયા છે.