અમરેલીમાં પોલીસ જમાદારને 307માં અંતિમ શ્ર્વાસ સુધીની કેદ

અમરેલી,
દેશભરમાં દાખલો બેસાડતો સિમાચિહ્નરૂપ ચુકાદો અમરેલીની સેશન્સ કોર્ટે આપી સાથી કર્મચારીની હત્યાનો પ્રયાસ કરવાનાં અપરાધમાં અમરેલી પોલીસ હેડક્વાર્ટરનાં હેડ કોન્સ્ટેબલને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારતા સન્નાટો છવાઇ ગયો છે.
આ ઘટનાની વિગત એવા પ્રકારની છે કે, 2016ની સાલમાં અમરેલીનાં પોલીસ હેડક્વાર્ટરમાં સંત્રી તરીકે ફરજ બજાવતા ભુપત ઉર્ફે ફોજી રતિલાલ તડવી દારૂનાં નશામાં ગાળુ બોલતા હોય પોલીસ હેડક્વાર્ટરમાં બ્યુગલર તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ મનસુખભાઇ ચાવડાને ફોન આવ્યો હોય અને એ અરસામાં ભુપતની ગાળો સાંભળી તેમણે ગાળો બોલવાની ના પાડતા ભુપતે પોતાની રાયફલમાંથી મનસુખભાઇ ચાવડાનાં પેટમાં ગોળી મારી દીધી હતી. અને તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતાં.
આ બનાવ અંગે હત્યાનાં પ્રયાસનો ગુનો દાખલ થયો હતો. અધિક જિલ્લા સહકારી વકીલ શ્રી મમતાબેન ત્રીવેદીએ પોલીસની રાયફલ લોકોનાં રક્ષણ માટે હોય છે અને તે રાયફલનો ઉગયોગ તે ઓન ડ્યુટી પોલીસને મારવામાં કરે તે ગંભીર કહેવાય પોતાની અંગત અદાવત માટે સરકારી રાયફલનો ઉપયોગ કરે તેની સમાજ ઉપર બહુ મોટી અસર પડે તેમ હોય તેને સખતમાં સખત સજા કરવા માટે તર્કબધ્ધ દલીલો સેશન્સ જજ શ્રી પી.એસ.બ્રહ્મભટ્ટની કોર્ટમાં રજુ કરી હતી. અને શનિવારે કોર્ટે આરોપી ભુપતને દોષીત જાહેર કરેલ. આજે સોમવારે તેમને હત્યાનાં પ્રયાસમાં આજીવન કેદ (અંતિમ શ્ર્વાસ સુધી) તથા ઓનડ્યુટી ઓફીસર ઉપર હુમલામાં દસ વર્ષની કેદ અને સરકારી હથિયારનો અંગત ઉપયોગ કરવા માટે માટે સાત વર્ષની કેદ અને આ તમામ કેદ સાથે ભોગવવા હુકમ કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં પોલીસે હત્યાનાં પ્રયાસનાં આરોપસર જે તે વખતે પકડેલા આરોપી ભુપત ઉર્ફે ફોજીને ગુજરાત હાઇકોર્ટે જામીન ઉપર મુક્ત કર્યો હતો.