અમરેલીમાં પોલીસ દ્વારા પાંચમીએ લોન મેળાનું આયોજન

અમરેલી,
રાજ્ય સરકાર દ્વારા નાગરિકોને વ્યાજના ચુંગાલમાંથી મુક્ત કરાવવા માટે ગેર કાયદેસર રીતે વ્યાજખોરી કરતા ઈસમો સામે ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. નાગરિકોની સુવિધા અને આર્થિક સ્થિતિને ધ્યાને લેતા વ્યાજબી દરે લોન/ ધિરાણ મળે તે પણ આવશ્યક છે. આ સ્થિતિને ધ્યાને લેતા અમરેલી જિલ્લા પોલીસ દ્વારા આગામી તા.5 ફેબ્રુઆરીને રવિવારના રોજ અમરેલી સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સવારે 11.00 વાગ્યાથી લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ દ્વારા જરુરિયાતમંદ નાગરિકોને વ્યાજબી દરે લોન/ધિરાણ સરળતાથી મળી શકે તે માટે રાષ્ટ્રીય/સહકારી બેન્કનાં પ્રતિનિધીશ્રીઓ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીશ્રીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિશ્રીઓની ઉપસ્થિતિમાં આ લોન મેળો યોજાશે. આ લોન મેળામાં તમામ જરૂરિયાતમંદ નાગરિકોને જોડાવવા માટે જિલ્લા પોલીસ વડાશ્રી હિમકર સિંહ દ્વારા એક યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે. પોલીસ મદદ માટે સંપર્ક હેલ્પ લાઈન નંબર 100, મહિલા હેલ્પ લાઈન નંબર 181, સાયબર ક્રાઇમ હેલ્પ લાઈન નંબર 1930 અને પોલીસ કંટ્રોલ રુમ (02792) 223498 પર સંપર્ક કરી શકાશે.