અમરેલીમાં ફરી કોરોનાનો ફુંફાડો : 17 પોઝિટિવ કેસ

  • સતત ઘટી રહેલા કેસમાં અચાનક જ જબરદસ્ત ઉછાળો
  • અમરેલીના કોરોના સંક્રમિત અગ્રણી બિલ્ડરનું પણ મૃત્યું : દોઢ મહિનામાં એક જ પરિવારના ત્રણ સગાભાઇઓના મૃત્યુથી સન્નાટો

અમરેલી,
અમરેલી જિલ્લામાં છેલ્લા એક સપ્તાહથી કોરોનાના ઘટી રહેલા કેસોમાં ફરી આજે ઉછાળો આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા જારી કરાયેલી યાદીમાં અમરેલીમાં 21 કેસ અને અમરેલી જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા જાહેર કરાયા મુજબ 17 પોઝિટીવ કેસ નોંધાયા છે એ સાથે જ અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોની સંખ્યા સાડા ત્રણ હજારની ઉપર 3512 સુધી પહોંચી છે.દિ’ ઉગે અને રોજ કોરોનાનાં દર્દીમાંથી કોઇને કોઇને ઉઠાવી જતા યમરાજાએ આજે પણ કેર વર્તાવ્યો હતો અમરેલીના 64 વર્ષના સુખનાથપરામાં રહેતા કોરોના સંક્રમિત થયેલા અને એકાદ માસથી રાજકોટ સારવાર લઇ રહેલા અગ્રણી બિલ્ડરનું મૃત્યુ નીપજ્યુ હતુ અત્રે ઉલ્લેખનીય છે કે તેમના કોરોના સંક્રમિત બિલ્ડર ભાઇનું પણ એકાદ મહિના પહેલા હદય બેસી જવાથી મૃત્યુ થયુ હતુ અને તે પહેલાના 15 દિવસ અગાઉ આ પરિવારના સૌથી મોટા ભાઇનું પણ કોરોના વગર મૃત્યુ થયુ હતુ આમ દોઢ માસમાં એક જ પરિવારના ત્રણ સગા ભાઇઓના મૃત્યુથી અમરેલીમાં સન્નાટો છવાઇ ગયો છે.