અમરેલીમાં ફલેગમાર્ચ યોજાઇ : કાલથી ડિમોલેશન

અમરેલી,

અમરેલી નગરપાલીકા અને વહીવટીતંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં નડતરરૂપ દબાણ ગેરકાયદેસર દબાણો દુર કરવા તંત્રએ મહેતલ આપ્યા બાદ મોટા ભાગનું દબાણ સ્વેૈચ્છાએ દુર થઇ ગયું છે હજુ પણ દબાણ હોય તેથી પાલીકા અને તંત્રની બેઠકમાં નકકી થયા મુજબ રવીવાર અને સોમવારે પોલીસની ફલેગમાર્ચ યોજાઇ હતી. આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી જે.પી.ભંડારી, સીટી પીઆઇ ડી.વી.પ્રસાદ, પોલીસ સ્ટાફ, અમરેલીનગરપાલીકાનાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર શ્રી ઝાલા, એન્જીનીયરશ્રી ગજેરા, નગરપાલિકાનો સ્ટાફ અને ફાયરનો સ્ટાફ ફ્લેગ માર્ચમાં જોડાયો હતો. રવિવારે યોજાયેલ ફ્લેગ માર્ચમાં અમરેલી સીનીયર સીટીઝન પાર્કથી રૂપમ ટોકીઝ, સોમનાથ મંદીર તરફ ફ્લેગ માર્ચ યોજાઇ હતી. જ્યારે આજે તા.22-5નાં સીનીયર સીટીઝન પાર્કથી રાજમહેલ, કામીલ ચા, ભીડ ભંજન થઇને ચક્કરગઢ રોડ સુધી ફ્લેગ માર્ચ યોજાઇ હતી. અમરેલીમાં તંત્ર દ્વારા ડીમોલીશનની જાહેર નોટીસ અને માઇક દ્વારા દબાણો હટાવવાની કામગીરી માટે જાહેરાત કરવામાં આવતા શહેરમાં કેટલાક સ્થળોએ સ્વૈચ્છિક દબાણો દુર કરવામાં આવ્યાં છે. ડીમોલીશન અંગે બેઠકમાં નકકી થયા મુજબ તા.24 અને 25 ના રોજ બે દિવસ શહેરના વિવિધ વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણ દુર કરવા તંત્રનું બુલડોઝર ફરી વળશે ડિમોલેશન દરમિયાન અમરેલીના ડિવાયએસપી શ્રી ભંડેરીના નેતૃત્વમાં બે ડિવાયએસપી, 6 પીઆઇ, 20 પીએસઆઇ અને 240 કોન્સ્ટેબલ સહિતનો સ્ટાફ શહેરના જુદા જુદા વિસ્તારમાં બંદોબસ્ત સાથે અલગ અલગ રૂટમાં દબાણ દુર કરાવાશે આ માટે વહીવટીતંત્ર અને પાલીકા દ્વારા તડામાર તૈયારી થઇરહી છે.