અમરેલીમાં બળાત્કારીને અંતિમ શ્ર્વાસ સુધીની સજા ફટકારાઇ

અમરેલી,
અમરેલીમાં 14 વર્ષની સગીરા ઉપર બળાત્કાર ગુજારનારા હવસખોરને કોર્ટે અંતિમ શ્ર્વાસ સુધીની કેદ ફટકારી છે.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે, અમરેલી કેરીયા રોડ, ભોજલપરા, કાબરીયા ટ્રાવેલ્સમાં ક્લીનર તરીકે નોકરી કરતા આરોપી કમલેશ ઉર્ફે બોમ્બે ભગવાનજીભાઇ ચિત્રોડા રહે. મુંબઇવાળાએ તા.21-7-20 નાં રાત્રીનાં સગીરા સાથે બળાત્કાર ગુજારી તેમજ અવાર નવાર ભોગ બનનારનો પીછો કરી ધાકધમકી આપી બળાત્કાર ગુજાર્યો હતો. આ શરમજનક બનાવમાં સૌથી મોટી બાબત એ હતી કે જે તે વખતે નોંધાયેેલી ફરિયાદ અનુસાર આ બાળા જયારે 11 વર્ષની હતી ત્યારથી આ હવસખોર તેના પરિવારથી પરિચીત હોય તેણીને પાડોશીની અગાસી ઉપરથી બસમાં લઇ જઇ અને તેણીનું શોષણ કરી અને તેના ફોટા પાડી મોબાઇલમાં કેદ કરતો હતો આ સીલસીલો તા. 1-1-2017થી 24-7-2020 એમ ત્રણ વર્ષ સુધી ચાલ્યો હતો.અને આ બનાવમાં અમરેલી સીટી પોલીસ મથકમાં ફરિયાદ થતા આઇ.પી.સી.ક.-376, 376(2)(એફ), 376(2)(જે), 376(2)(એન), 373(3), 377, 354(ક), 354(ઘ), 06(2), પ09 તથા પોકસો એકટ ક:- 4, 6, 8, 10, 12 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એકટની ક:-67, 67(બી)મુજબ ગુનો નોંધી પોલીસે અટકાયત કરી જેલ હવાલે કર્યો હતો. ઉપરોક્ત કેસ અમરેલી સ્પેશ્યલ પોક્સો કોર્ટનાં જજ વાય.એ.ભાવસારનીકોર્ટમાં ચાલી જતા સરકારી પીપી જે.બી.રાજગોરની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી આઇપીસી કલમ 376 (2) (એન)નાં ગુનામાં અંતિમ શ્ર્વાસ સુધીની આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી.વચગાળાનાં વળતર તરીકે ભોગ બનનારને રૂપિયા એક લાખ ચુકવવા હુકમ કરેલ તેમજ ધી પોક્સો એક્ટ-2012ની કલમ-33 (8) ધી પોક્સો રૂલ્સ 2020નાં રૂલ 9 (2) હેઠળ રૂા.7,00,000 વધારાનાં આખરી વળતર તરીકે ડીસ્ટ્રીક્ટ વીંગ સર્વીસીસ ઓથોરીટી અમરેલીનાં ચેરમેનશ્રીને સ્ટેટ લીગલ સર્વીસીસ ઓથોરીટી અમદાવાદ સદર વળતરની રકમ નાલસાની કોમ્પેન્સેસન સ્કીમ પર વિમેન વિક્ટીમ્સ/સવાઇ વર્ષ ઓફ સેક્સ્યુઅલ અસોલ્ટ અધર ક્રાઇમ 2018નાં રૂલ-3 અન્વયેની વિમેન વિક્ટીમ્સ કોમ્પેન્સેસન ફંડમાંથી અગર તો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેસન સ્કીમ અન્વયે ફાળવવામાં આવેલ ગ્રાન્ટનાં ફંડમાંથી આ વળતરની રકમ આ હુકમ મળવા તારીખથી 30 દિવસમાં ચુકવવા ભલામણ કરવા હુકમ કરવામાં આવેલ છે. આમ ભોગ બનનારને કુલ રૂા.8 લાખનું વળતર ચુકવવા કોર્ટે હુકમ કર્યો છે.