અમરેલીમાં બ્રોડગેજ લાઇન નાખવાનો સર્વે પુર્ણ : ઇલેકટ્રીક લાઇન કરાશે

અમરેલી,આજથી 3 દસકા પહેલા સૌરાષ્ટ્રમાં માત્ર નેરોગેજ લાઇન હોવાના કારણે કંટાળાજનક મુસાફરી હોવાના કારણે લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું ટાળતા અને રોડ માર્ગે ઝડપી પહોંચી શકાય તે હેતુથી લોકો એસટી બસનો તેમજ અન્ય ખાનગી વાહનોનો ઉપયોગ કરી અને પોતાના નિર્ધારીત સ્થળે સમયસર પહોંચી શકતા હતા. દરમિયાનમાં રેલ મંત્રાલય દ્વારા મુસાફરોને આકર્ષવા માટે અને ઝડપી મુસાફરી થાય તે માટે રેલ્વે તંત્ર દ્વારા મીટરગેજ લાઇનો દુર કરી અને તેની જગ્યાએ બ્રોડગેજ લાઇનો બનાવાનું કામ યુધ્ધના ધોરણે હાથ ધર્યુ છે. જે અંતર્ગત અમરેલી શહેરને પણ આગામી વર્ષોમાં બ્રોડગેજની સુવિધા મળે તેવા દિવસો હવે દુર નથી. આ માટે પાટા બીછાવવા,રેલ્વે પ્લેટફોર્મ ઉચા બનાવવા નદી નાળા ઉપર આવતા પુલો નવા બનાવવા અને પહોળા કરવા સહિતની કામગીરી કરવા માટેનો એક સર્વે ભાવનગર રેલ્વે ડીવીઝન દ્વારા પુર્ણ કરવામાં આવ્યો છે. અને આ રીપોર્ટને રેલ્વે મંત્રાલય તરફ મંજુરી અર્થે મોકલી દેવામાં આવ્યો છે. આ કામગીરી કરવા પાછળ અં દાજે 1500 થી 1700 કરોડનો ખર્ચ આંકવામાં આવ્યો છે. અને ભવિષ્યમાં ઇલેકટ્રીક ટ્રેન દોડી શકે તે હેતુથી ઇલેકટ્રીક લાઇન પણ નાખવામાં આવશે અને જેતલસરથી ઢસા વચ્ચેની રેલ્વે લાઇન બીછાવવાની કામગીરી ચાલી રહી છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદરથી ખીજળીયા વાયા અમરેલી સુધીની 92 કિ.મીની બ્રોડગેજના પાટા બીછાવવા માટેનો એક સર્વે પુર્ણ થઇ ગયો છે. અને આ સર્વેને મંજુરી અર્થે દિલ્હી ખાતે આવેલ રેલ મંત્રાલયને મોકલી આપવામાં આવ્યો છે આ કામગીરી પાછળ રેલ્વે પાટા બીછાવવા, પલલના નવા કામ કરવા તેમજ રેલ્વે પ્લેટફોર્મ ઉચા બનાવવા અને ઇલેકટ્રીક લાઇન નાખવા પાછળ મળીને કુલ રૂા. 1500 થી 1700 કરોડનો અંદાજે ખર્ચ થશે આ ઉપરાંત વિસાવદરથી અમરેલી વચ્ચે નાખવામાં આવનાર રેલ્વે લાઇન જ્યાંથી પસાર થવાની છે ત્યાં જંગલ વિસ્તાર આવતો હોય જંગલ ખાતાની મંજુરી મળ્યા બાદ આ કામગીરીનો પ્રારંભ કરવામાં આવનાર છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.
જેતલસરથી ઢસા વચ્ચેની 105 કિ.મીની બ્રોડગેજના પાટા બીછાવવા પાછળ તથા ઇલેકટ્રીક લાઇન નાખવા પાછળ અંદાજે રૂા. 600 કરોડનો ખર્ચ થનાર છે. હાલમાં નદી નાળા પર આવતા પુલ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યારે કેટલીક જગ્યાએ રેલ્વેના પાટા પણ બીછાવી દેવામાં આવ્યા છે. આવી જ રીતે જુનાગઢથી વિસાવદર વચ્ચેની 42 કિ.મી.ની બ્રોડગેજ લાઇન બનાવવા માટેનો સર્વે ચાલી રહયો છે તેમ રેલ્વેના સુત્રોએ જણાવ્યુ હતુ.