અમરેલીમાં ભરબજારે સોનાનાં 6 ચેઇન આંચકી ભાગેલ ચોર પકડતી ક્રાઇમ બ્રાન્ચ

  • ટાવર પાસે બપોરે બનેલા બનાવથી શહેરભરમાં ખળભળાટ
  • પોલીસ તંત્ર દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી મુદામાલ સાથે ચોરને પકડવામાં આવતા સુવર્ણકાર સંઘે પોલીસને બિરદાવી

અમરેલી,
અમરેલીમાં ભરબજારે સોનીની દુકાનમાં ઘરેણા ખરીદવાના બહાને આવી અને 6 ચેઇન લઇ નાશી છુટનારા શખ્સને અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં જ મુદામાલ સાથે પકડી પાડયો હતો પોલીસની આ ત્વરીત કામગીરીને અમરેલી સુવર્ણકાર સંઘે બિરદાવી હતી.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે તા.03-01-2021 ના રોજ અમરેલી શહેરમાં ટાવર પાસે દાણાબજાર રોડ ઉપર આવેલ એમ.વિઠ્ઠલદાસ જવેલર્સ નામની સોના ચાંદીના દાગીના બનાવવાની અને વેચાણ કરવાની દુકાનમાં એક અજાણ્યો માણસ સોનાનો ચેઇન ખરીદવાના બહાને આવેલ અને દુકાનદાર તેમને સોનાના ચેઇન બતાવતા હતા તે દરમિયાન આ અજાણ્યા માણસે સોનાના અલગ અલગ ઘાટના ચેઇન નંગ – 6 કિંમત રૂા. 3,84,000 ની લુંટ કરી, પોતાનું મોટર સાયકલ લઇ નાસી છુટેલ આ અંગે સોની દુકાનદાર જયદીપભાઇ મહેન્દ્રભાઇ ધાણક, ઉ.વ.37, રહે. અમરેલી ચિતલ રોડ, યમુનાપાર્ક સોસાયટી, તા.જી.અમરેલીનાની ફરિયાદ પરથી એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અમરેલી સીટી પો.સ્ટે.માં લુંટનો ગુનો રજી. થયેલ.
અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયએ ગુનાની વિગતોનો ઉંડાણપુર્વક અભ્યાસ કરી, આ ગંભીર પ્રકારના ગુનાના આરોપીને મુદામાલ સાથે શોધી કાઢવા અમરેલી એલસીબી, એસઓજી અમરેલી સીટી પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી જરૂરી માર્ગદર્શન આપેલ હોય. જે અનુસંધાને અજાણ્યા આરોપી અંગે તપાસ હાથ ધરવામાં આવેલ અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર.કે. કરમટા તથા પી.એન. મોરી તથા એલસીબી ટીમ દ્વારા આરોપીએ ગુનો કરવા માટે ઉપયોગમાં લીધ્ોલ મોટર સાયકલના રજીસ્ટ્રેશન નંબર તથા સોનાની દુકાનના સીસી ટીવી ફુટેજ અને અમરેલી કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરની મદદથી રસ્તાઓ ઉપર લાગેલ સીસી ટીવી કેમેરાના ફુટેજ મેળવી ટેકનીકલ રીતે તપાસ હાથ ધરી આજરોજ લાઠી રોડ ઉપરથી લુંટના આરોપી મહેન્દ્ર દેવુભાઇ વનાર ઉ.વ.42 રે. કમીયાળા, તા.ધોલેેરાને ગુનો કરવા માટે ઉપયોગમાં લીધ્ોલ મોટર સાયકલ તથા લુંટમાં ગયેલ સોનાના ચેઇનના મુદામાલ સાથે પકડી પાડી, તમામ મુદામાલ રીકવર કરવામાં સફળતા મેળવેલ છે પોલીસની પુછપરછ દરમિયાન એવી વિગત પણ ખુલી હતી કે મહેન્દ્ર વનાર પાસે 20 વીઘા જમીન છે અંતે ખેડુત છે તેની ઉપર લેણુ થઇ જતા તે ચુકવવા સુરેન્દ્રનગરમાં ગઇ તા.3-12 ના રોજ સ્વામીનારાયણ જવેલર્સ નામની દુકાનમાં આજ પ્રકારે ત્રણ ચેઇનની લુંટ ચલાવી હતી અને અમરેલીમાં પણ તેમણે આ પધ્ધતિ અપનાવી હતી પરંતુ અમરેલીમાં તે ભેખડે ભરાયો હતો અને ક્રાઇમ બ્રાન્ચના હાથમાં સપડાયો હતો પોલીસ તપાસમાં એવુ પણ બહાર આવ્યુ છે કે ગત તા.28 મીએ તે એમ વિઠ્ઠલદાસ જવેલર્સની દુકાનની રેકી કરી ગયો હતો અમરેલી પોલીસે અમરેલી ઉપરાંત સુરેન્દ્રનગરનો ભેદ પણ ઉકેલી નાખ્યો હતો. અમરેલી સુવર્ણકાર સંઘના પ્રમુખ શ્રી અશ્ર્વિનભાઇ પરીખે અમરેલી પોલીસને અભિનંદન પાઠવ્યા હતા.