અમરેલીમાં ભર ચોમાસે પણ ચાર દિવસે અપાતું પાણી

  • શહેરમાં 50 વર્ષેય પીવાના પાણીનો પ્રશ્ર્ન વણઉકેલ
  • નગરપાલીકાનું તંત્ર મહીનું પાણી ઓછુ મળતુ હોવાનું કારણ આપે છે

અમરેલી,
અમરેલી શહેરમાં છેલ્લા 50 વર્ષથી પીવાના પાણીનો પ્રશ્ર્ન હજુ પણ વણઉકેલ જેવો છે. સરકાર દ્વારા પીવાના પાણી માટે ઠેબી ડેમ બનાવ્યો જે ગત વર્ષે પણ પુરો ભરાયો ન હતો. હાલમાં ચોમાસામાન આ ડેમ માત્ર 50 ટકા ભરાયો છે. જ્યારે ધારી, ખોડીયાર ડેમ, 100 ટકા ભરાયો છે. તેમાંથી પણ ચલાલા અને અમરેલીને પીવાનું પાણી આપી શકાય છે. છતા પણ ભર ચોમાસે અમરેલી શહેરમાં હાલમાં ચાર દિવસે તે પણ પુરા ફોર્સથી પીવાનું પાણી આપવામાં આવતુ નથી. જેથી અમરેલીના શહેરીજનોમાં ભારો ભાર રોષની લાગણી વ્યાપી છે. હાલમાં જિલ્લામાં સારા વરસાદ પડતા તળાવો અને જળાશયોમાં પાણીની ભુરપુર આવક થયેલ છે. અમરેલી શહેરને ખોડીયાર ડેમમાંથી પીવાનું પાણી આપવા માટે પાઇપલાઇન પણ ગોઠવવામાં આવી છે. હવે જોવાનું એ રહયુ કે પાલીકા દ્વારા ડેમ સાઇડ જે મશીનરી ફીટ કરવાની હતી તે કરી છે કે કેમ? તેવો વેધક સવાલ પણ લોકોમાં થઇ રહયો છે. કૃષિ મંત્રી શ્રી રૂપાલાએ તેમના ભાષણોમાં એવુ જણાવેલ કે અમરેલી શહેરની પીવાના પાણીની પહેલા જેવી મુશ્કેલ સમસ્યા હવે નથી. તો હાલમાં અમરેલીને ચાર દિવસે પાણી કેમ મળે છે? તેવો સવાલ લોકોમાં થઇ રહયો છે. તો આ બાબતે અમરેલી શહેરને એકાંતરા પાણી ક્યારે મળશે તેની રાહ આજે વર્ષોથી લોકો જોઇ રહયા છે.