અમરેલીમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પેજ પ્રમુખ બન્યા

કેન્દ્રીયમંત્રીશ્રી રૂપાલા, દિગ્ગજ સહકારી અગ્રણી શ્રી સંઘાણી, સાંસદશ્રી કાછડીયા અને જિલ્લા પ્રમુખ શ્રી વેકરીયા સહિત ભાજપ નેતાઓએ પેજ પ્રમુખ બની પેજ સમિતિ બનાવી : 2022 માં કોંગ્રેસના સુપડા સાફ કરવા નિર્ધાર

અમરેલી,સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પક્ષ દ્વારા પેજ સમિતિ પર ભાર આપવામાં આવી રહ્યો છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે 2022ની વિધાનસભામાં 182માથી 182 બેઠક જીતવાનો સંકલ્પ કર્યો છે અને એ સંકલ્પને સાકર કરવા માઇક્રો મેનેજમેન્ટના ભાગરૂપે પેજ સમિતિ બનાવવામાં આવી રહી છે.
અમરેલી જિલ્લા ભાજપ દ્વારા પણ પેજ સમિતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી શ્રી પરશોત્તમભાઈ રૂપાલાએ અમરેલી વિધાનસભા વિસ્તારના ઈશ્વરીયા ગામના બુથ નં. 167ના પેજ નં. 31ના પેજ પ્રમુખ તરીકે જવાબદારી સ્વીકારી પેજ કમિટીની રચના પૂર્ણ કરી જિલ્લા પ્રમુખ શ્રી કૌશિક વેકરીયાને સુપ્રત કર્યું હતું. એવી જ રીતે એન.સી.યું.આઇના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના માળીલા ગામના બુથ નં. 294ના પેઇઝ નં. 01ના પેજ પ્રમુખ બની સમિતિ બનાવી હતી. ઉલ્લેખનીય છે કે સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ 97-સાવરકુંડલા વિધાનસભા વિસ્તારના બુથ નં. 132ના પેજ નં. 12ના પેજ પ્રમુખ તરીકે પેજ કમીટીની રચના કરી જિલ્લા ભાજપ પ્રમુખને સુપ્રત કરી હતી.
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા એ પણ અમરેલી તાલુકાના દેવરાજીયા ગામના બુથ નં. 279ના પેજ નં. 27ના પેજ પ્રમુખ તરીકે પેજ સમિતિ બનાવી તાલુકા પ્રમુખ શ્રી ઘનશ્યામ ત્રાપસીયાને સુપ્રત કર્યુ હતું. કૌશિક વેકરીયા એ જણાવ્યું હતું કે પ્રદેશ અધ્યક્ષ શ્રી સી. આર. પાટીલની પ્રેરણાથી આ સંગઠનને વધુ મજબૂત બનાવવા માટેનું અભિયાન છે. પેજ સમિતિના માધ્યમથી દરેક ગામના છેવાડાના જરુરીયાતમંદ માનવી સુધી પહોંચી શકીશું અને સરકારી યોજનાઓ નો વધુને વધુ લાભ તેમને મળે એવા અમારા પ્રયત્ન રહેશે.