અમરેલીમાં મધરાત્રે દિપડાના આંટાફેરાથી શહેરમાં ફફડાટ

  • અમરેલીનો મહેમાન બનેલ દિપડો સીસીટીવીમાં કેદ થયો : ગાંધીબાગ પાસે 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી ગયો
  • રાજમહેલ કેમ્પ્સમાંથી દિપડો મ્યુનીસીપલ ગર્લ્સ હાઇસ્કુલમાં ગયો : હાઇસ્કુલમાંથી ગાંધીબાગ અને ગાયત્રી મંદિર પાસે થઇ ઠેબીના કાંઠે અલોપ થઇ ગયો : રાત્રે તંત્ર દોડયું 
  • અમરેલી પોલીસ તથા આરએફઓ શ્રી દિલીપ ગઢવીએ દિપડાનું પગેરૂ દબાવ્યું : ઝુપડપટ્ટીમાં સુવાવાળા લોકોને ઉઠાણી તાપણા કરાવ્યા : દિપડો પરત તેના ઠેકાણે પહોંચ્યાનું અનુમાન

અમરેલી,
ગીરનું જંગલ અમરેલીથી ખાસુ દુર છે ત્યારે ગીરના વસતા પ્રાણીઓ અમરેલીની આસપાસ આવી ચડવાની ઘણી ઘટનાઓ સામે આવી છે પણ હવે ગઇ રાત્રીના દિપડો અમરેલી શહેરમાં આંટો મારી જતા શહેરમાં ફફડાટ ફેલાયો છે અને દિપડાની જાણ થતા વન વિભાગ તથા પોલીસની ટીમો દ્વારા દિપડાના સગડ મેળવી અને શોધખોળ ચલાવાઇ હતી પરંતુ પ્રતાપપરા સાઇડમાં દિપડો પરત ચાલ્યો ગયો હોવાનું તેમના સગડ ઉપરથી જાણવા મળ્યુ હતુ.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ગઇ રાત્રીના 1:46 મીનીટે અમરેલીના નાના બસ સ્ટેન્ડ પાસે આવેલ હરિરામબાપા ચોકમાં રાજમહેલ કેમ્પસમાંથી દિપડો મ્યુનીસીપલ ગર્લ્સ સ્કુલમાં અને ત્યાંથી ગાંધીબાગ અને સ્વામિ નારાયણ મંદિર કેમ્પસમાં ગયો હતો મંદિર કેમ્પસની 15 ફુટ ઉંચી દિવાલ ઠેકી દિપડો તારવાડી ગાયત્રી મંદિરવાળા રોડ ઉપર પહોંચ્યો હતો અને ત્યાંથી ઠેબી ડેમ પાસેથી પોમલી પાટ થઇ પ્રતાપપરા તરફ ચાલ્યો ગયો હોવાનું તેના સગડ ઉપરથી જાણવા મળ્યુ હતુ તેમ આરએફઓ શ્રી દિલીપ ગઢવીએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.
શ્રી ગઢવીએ જણાવ્યુ હતુ કે દિપડાને જોઇ પોલીસ અને વનતંત્રને જાણ કરવામાં આવતા વનતંત્ર તથા પોલીસની સંયુક્ત ટીમો દ્વારા રાત્રીના જ દિપડાના સગડ મેળવવામાં આવ્યા હતા અને શહેરની ઝુપડપટીઓમાં બહાર સુતેલા લોકોને અંદર સુવાની સુચ ના અપાઇ હતી.
અને તાપણા શરૂ કરી દેવામાં આવ્યા હતા તથા ઇદનો તહેવાર હોય રાત્રીના સમયે લોકોને પણ સમજણ આપવામાં આવી હતી કે દિપડો દેખાય તો લોકોએ સહકાર આપવો, ટોળા ન વળવા દેકારો ન કરવો અને ઝુપડપટીમાં રહેનારા લોકોને પણ સમજણ અપાઇ હતી કે માંસાહાર ન કરવો જો માંસાહાર કર્યો હોય તો એઠવાડ જ્યાં ત્યાં ન ફેંકવો કારણકે તે તેની ગંધ દિપડાને ચાર પાંચ કિ.મી. સુધી આવી જતી હોય છે.
આવો એઠવાડ હોય તો ઉંડો ખાડો કરી દાટી દેવો બીજી તરફ અમરેલી શહેરના લોકોએ પણ પોલીસ અને વનતંત્રને સહકાર આપ્યો હતો અને દિપડાને કઇ દિશામાં ક્યાં જોવામાં આવ્યો હતો અને તેની માહિતી આપવામાં આવી હતી અને લોકોએ સુંદર સહકાર આપ્યો હતો આમ છતા જો કોઇને વન્ય પ્રાણી અંગેની જાણ થાય તો આરએફઓ શ્રી દિલીપભાઇ ગઢવી મોબાઇલ નં. 94295 77728 ઉપર જાણ કરવી.