અમરેલીમાં મ્યુકરમાયકોસિસ સામે તંત્ર એલર્ટ : કલેકટરશ્રી

  • કોવિડ વેક્સિન માટેની તૈયારીઓ પુર્ણ થઇ : 50 વર્ષની ઉમરના સાડા ત્રણ લાખ લોકોની યાદી તૈયાર 
  • હજુ રાજકોટમાં મ્યુકરમાયકોસિસ દેખાયો છે તેનો અમરેલીમાં કોઇ કેસ નથી આવ્યો જો કેસ આવે તો તંત્રને તાત્કાલીક જાણ કરવા અને પગલાઓ લેવા માટે સુચનાઓ અપાઇ : શ્રી આયુષ ઓક
  • જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થયા : હાલ સિવીલમાં માત્ર 39 દર્દીઓ દાખલ, એકપણ બાયપેપ ઉપર નહી : 50 વર્ષની ઉપરના સર્વેમાં રહી ગયેલા લોકો વેક્સિન માટે પીએચસીનો સંપર્ક કરે

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોવિડ વેક્સિન માટેની તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે અને મતદાર યાદીમાંથી 50 વર્ષની ઉમરના 4 લાખ 15 હજાર જેટલા લોકોની યાદી તૈયાર થઇ હતી જેમાંથી 50 હજાર જેટલા લોકો અમરેલી જિલ્લા બહાર રહેતા હોય બાકી રહેલા લોકોની હાઉસ ટુ હાઉસ સર્વે કરી યાદી તૈયાર કરવામાં આવી છે અને આ સાડા ત્રણ લાખ જેટલા 50 વર્ષની ઉપર લોકોની યાદી તૈયાર છે અને તેમાં જો કોઇ નામ લખાવાથી બાકી રહીગયુ હોય તો તે પોતાના નજીકના પીએચસી ખાતે જઇ પોતાનું નામ લખાવી શકે છે તેમ અવધ ટાઇમ્સ સાથેની વાતચીતમાં કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યુ હતુ. કલેકટરશ્રીએ જણાવેલ છે કે રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને એલર્ટ રાખવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા માસ્ક સહિતના તકેદારીના પગલાઓ લેવાઇ રહયા છે તેવા સમયે નવા આવેલા રોગ મ્યુકરમાયકોસિસ સામે અમરેલી જિલ્લામાં તંત્રને સજ્જ રાખવામાં આવ્યુ છે જો કે હજુ નજીકના રાજકોટમાં મ્યુકરમાયકોસિસ દેખાયો છે જેથી તેની અમરેલીમાં આવવાની સંભાવના નકારી શકાય નહી પણ અત્યાર સુધી અમરેલીમાં કોઇ કેસ નથી આવ્યો અને જો કેસ આવે તો તંત્રને તાત્કાલીક જાણ કરવા અને પગલાઓ લેવા માટે સુચનાઓ અપાઇ છે તેમ શ્રી આયુષ ઓકએ જણાવેલ.મ્યુકરમાયકોસિસ અંગે આછી સમજ આપતા કલેકટરશ્રીએ જણાવેલ કે આ રોગ જેમને બહુ અગાઉ કોરોના થયો છે તેમને આવવાની શક્યતા નહીવત છે અને જેમણે છેલ્લા 10-15 દિવસની આસપાસમાં સારવાર લીધી હોય તેને જો રોગપ્રતિકારક શક્તિ નબળી હોય તો થવાની શક્યતા છે અને એ પણ દવાખાનામાં થયેલા હોય તેમને શક્યતા છે હોમ કવોરન્ટાઇન થયેલા દર્દીઓને આ રોગ થવાની શક્યતા નહીવત છે કલેકટરશ્રીએ જણાવેલ કે હાલમાં જિલ્લામાં કોરોનાના કેસ ઓછા થયા છે આજે સિવીલમાં માત્ર 39 દર્દીઓ દાખલ છે તેમાં એકપણ બાયપેપ ઉપર નથી અને અત્યારે કોરોનાના કેસ ઓછા થઇ રહયા છે એ રાહતની બાબત છે.