અમરેલીમાં યુવાનો ટેસ્ટ માટે આગળ આવે : કલેકટરશ્રી

  • કોરોનાનાં કેસ મોટી સંખ્યામાં આવે તેની કોઇ ચિંતા નથી પણ મોડો ટેસ્ટ થાય અને લોકો જીવ ગુમાવે છે તેની ચિંતા છે : અવધ ટાઇમ્સને વિગતો આપતા કલેકટરશ્રી આયુષ ઓક
  • અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ અને રાધીકા હોસ્પિટલમાં 24 કલાક ટેસ્ટ શરૂ છે રૂક્ષમણીબેન બાલમંદિર સહિત શહેરમાં પાંચ જગ્યાએ વિનામુલ્યે રેપીડ ટેસ્ટ થાય છે
  • દરેક ધનવંતરી રથને પણ એન્ટીજન ટેસ્ટની કીટ ફાળવી દેવાઇ : એસટી ડેપો પાસે ખાનગી હોસ્પિટલને 20 બેડની કોવિડ હોસ્પિટલની માન્યતા અપાશે : કલેકટરશ્રી
  • રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને ફરજિયાત દાખલ કરવામાં આવે છે તે વાત ખોટી : દર્દીને વિનામુલ્યે એક્સ રે અને લેબોરેટરી થાય તે માટે સિવીલ કે રાધીકામાં લઇ જઇ ટેસ્ટ કરાય છે : જો કોઇ પહોંચી શકતુ હોય તો ખાનગી હોસ્પિટલમાં પણ ટેસ્ટ કરાવી શકે છે : દર્દીને મેડીકલ ટેસ્ટ પછી સીધા હોમ આઇસોલેટ કરાય છે : જીવ બચાવવા ટેસ્ટ જરૂરી

અમરેલી,
અમરેલી જિલ્લામાં કોરોનાનાં કેસ મોટી સંખ્યામાં આવે તેની કોઇ ચિંતા નથી પણ કોરોનાનો મોડો ટેસ્ટ થાય અને તેના કારણે લોકો જીવ ગુમાવે છે તેની ચિંતા છે તેમાય ખાસ કરીને બહાર ન જતા વડીલો અને ડાયાબીટીસ હાયપર ટેન્શન જેવી બિમારી વાળા લોકો વગર વાંકે કે બહાર નીકળ્યા વગર કોરોનાનાં સંક્રમણનો ભોગ બની રહયા છે તેનું કારણ બજારમાં સૌથી વધુ ફરતો યુવા વર્ગ છે માટે અમરેલી જિલ્લામાં યુવાનો સાવ વિનામુલ્યે અને માત્ર 15 મીનીટમાં થતા આસાન રેપીડ ટેસ્ટ માટે આગળ આવે તે જરૂરી છે તેમ કલેકટરશ્રી આયુષકુમાર ઓકએ અવધ ટાઇમ્સને જણાવ્યુ હતુ.
અમરેલી જિલ્લાને કોરોના વાયરસથી બચાવવા માટે અવિરત લડી રહેલા અમરેલીના કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યુ હતુ કે અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલ અને રાધીકા હોસ્પિટલમાં 24 કલાક ટેસ્ટ શરૂ છે અને રૂક્ષમણીબેન બાલમંદિર સહિત શહેરમાં કુલ પાંચ જગ્યાએ વિનામુલ્યે રેપીડ ટેસ્ટ સાંજે 4 વાગ્યા સુધી સતત થાય છે અને એ ઉપરાંત અમરેલી શહેરમાં ચાર ધનવંતરી રથને પણ એન્ટીજન ટેસ્ટની કીટ ફાળવી દેવાઇ છે અને જિલ્લામાં પણ તમામ ધનવંતરી રથમાં એન્ટીજન કીટ અપાઇ છેએ દરેક સોસાયટીમાં જઇ અને રેપીડ ટેસ્ટ વિનામુલ્યે કરી આપે છે લોકોએ હોસ્પિટલ સુધી જવા માટે રીક્ષા કે વાહન કરવાની પણ જરૂર નથી.
આ ઉપરાંત સરકારી હોસ્પિટલોમાં આવનારા સમયમાં વધનારા કેસોની સંખ્યાને ધ્યાને લઇને ભારણ વહેંચાય જાય તે માટે કોરોનાની ખાનગી હોસ્પિટલ પણ આવકાર્ય છે અમરેલીમાં એસટી ડેપો પાસે ખાનગી હોસ્પિટલને 20 બેડની કોવિડ હોસ્પિટલની માન્યતા આપવાની પ્રક્રિયા શરૂ હોવાનું પણ કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ આ ઉપરાંત તેમણે જણાવેલ કે રેપીડ ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીને ફરજિયાત દાખલ કરવામાં આવે છે તે વાત ખોટી છે દર્દીને વિનામુલ્યે એક્સ રે અને લેબોરેટરી થાય તે માટે સિવીલ કે રાધીકામાં લઇ જઇ ટેસ્ટ કરાય છે જો કોઇ પહોંચી શકતુ હોય તો ખાનગી હોસ્પિટલમાં પણ ટેસ્ટ કરાવી શકે છે અને જેને સારવારની ઓછી જરૂર છે તેવા પોઝિટિવ આવેલા દર્દીને મેડીકલ ટેસ્ટ પછી સીધા હોમ આઇસોલેટ કરાય છે જીવ બચાવવા માટે કોરોના ટેસ્ટ ખુબજ જરૂરી છે તેમ જણાવી કલેકટરશ્રીએ સૌને સમયસર ટેસ્ટ કરાવવા અનુરોધ કર્યો છે અને સૌ સાથે મળી કોરોનાને હરાવીએ તેમ જણાવ્યુ છે.

અમરેલીમાં કઇ કઇ જગ્યાએ વિનામુલ્યે રેપીડ ટેસ્ટ ?

આસ્થા હોસ્પિટલ – સાંજે 4 વાગ્યા સુધી રેપીડ ટેસ્ટ
નવજીવન હોસ્પિટલ – સાંજે 4 વાગ્યા સુધી રેપીડ ટેસ્ટ
રૂક્ષમણીબેન બાલમંદિર – સાંજે 4 વાગ્યા સુધી રેપીડ ટેસ્ટ
શાંતાબા ગજેરા હોસ્પિટલ – ઓપીડીમાં 24 કલાક રેપીડ ટેસ્ટ
રાધીકા કોવિડ હોસ્પિટલ – ઓપીડીમાં 24 કલાક રેપીડ ટેસ્ટ
શહેરમાં ફરતા ચાર ધનવંતરી રથમાં પણ રેપીડ ટેસ્ટ