અમરેલીમાં રાધિકા કોવિડ હોસ્પિટલનું કોકડું ગુંચવાયું

નવી હોસ્પિટલ ક્યાં બનાવવી? : પાલીકાની નવી બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલની વિચારણા હતી પણ પાલીકાએ તે પહેલા વગર લોકાર્પણે કચેરી શરૂ કરી દીધી

નેત્ર ચિકિત્સા ટ્રસ્ટની આયુર્વેદીક કોલેજનું ઇન્સપેક્શન આવતુ હોય ફરી હોસ્પિટલ બને તો કોલેજ શરૂ ન થઇ શકે અને કોલેજની માન્યતા રદ થાય તેવી સ્થિતી સર્જાઇ

અમરેલી,અમરેલીની રાધિકા હોસ્પિટલની પાછળ આવેલ આયુર્વેદીક કોલેજ બિલ્ડીંગમાં શરૂ કરાયેલી અને પછી પરત આપી દેવાયેલ કોવિડ હોસ્પિટલ ફરી પાછી લેવા માટે સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી થતા અને તેની સામે ટ્રસ્ટ દ્વારા તે જગ્યા ન આપવા જણાવાતા કોવિડ હોસ્પિટલ માટે વધી રહેલા દર્દીઓને રાખવા ક્યાં તેવો યક્ષ પ્રશ્ર્ન ઉભો થયો છે એક તરફથી દિવાળી પહેલા ઘટેલા કેસમાં વધારો થતા કોરોનાના દર્દીઓથી શાંતાબા ગજેરા હોસ્પિટલ છલકાય છે અને દર્દીઓને ક્યાં રાખવા તેની મુશ્કેલી તંત્ર અનુભવી રહયુ છે ત્યારે જ્યાં અગાઉ 100 બેડની ઓક્સિજન પાઇપ લાઇન સાથેની રાધિકા કોવિડ હોસ્પિટલ પરત આપી દેવાયા બાદ તેમનું શૈક્ષણિક કાર્ય શરૂ કરવાનું હોય અને જો તે શરૂ ન થાય તો અમરેલીને મળેલી આયુર્વેદીક કોલેજની માન્યતા રદ થાય તેમ હોવાને કારણે નેત્ર ચિકિત્સા ટ્રસ્ટ પણ લાચાર બન્યુ હોય કોવિડ હોસ્પિટલ માટે તાત્કાલીક નવી જગ્યા શોધવી જરૂરી છે અથવા સાવરકુંડલા અને રાજુલામાં સઘન સારવારના અભાવે દર્દીઓનો ઘસારો અમરેલી રહેતો હોય ત્યાં ઘનિષ્ઠ સારવાર મળી રહે તેવી સગવડતા કરવી જોઇએ.
અમરેલીમાં રાધિકા કોવિડ હોસ્પિટલ પરત આપી દેવાયા બાદ તંત્ર દ્વારા તેને પાછી મંગાતા આ કોકડું ગુંચવાયું છે કારણકે ટ્રસ્ટ દ્વારા કોવિડ હોસ્પિટલ માટેની બિલ્ડીંગ પરત મળ્યા પછી તેને કોલેજ માટે તૈયાર કરી દેવામાં આવ્યુ છે અને જો અમારી આયુર્વેદીક કોલેજ શરૂ ન થાય તો તેની માન્યતા રદ થાય તેમ છે કારણકે તેનું ઇન્સપેક્શન આવી રહયુ છે જો ત્યારે કોલેજ શરૂ ન હોય તો તે રદ થાય અને અમરેલીની સુવિધા છીનવાઇ તેમ હોવાનું નેત્ર ચિકિત્સા ટ્રસ્ટના શ્રી દિનેશભાઇ ગાંધીએ જણાવ્યુ હતુ શ્રી દિનેશભાઇએ જણાવેલ કે અમે આયુર્વેદીક કોલેજની બિલ્ડીંગ ફરી આપી શકીએ તેમ નથી પણ નવી કોવિડ હોસ્પિટલ માટે ઓક્સિજનની લાઇન જેવી સુવિધાઓ અમારા ખર્ચે કરાવી આપવા તૈયાર છીએ બાકી સિવીલ કેમ્પસમાં નર્સિગ હોસ્ટેલ સહિતના અનેક બિલ્ડીંગો છે જ ત્યાં પણ કોવિડ હોસ્પિટલ બની શકે તેમ છે.અમરેલીમાં હવે નવો સવાલ એ ઉભો થયો છે કે નવી કોવિડ હોસ્પિટલ ક્યાં બનાવવી? પાલીકાની નવી બિલ્ડીંગમાં કોવિડ હોસ્પિટલની વિચારણા હતી પણ તેની ખબર પડી ગઇ હોય તેમ પાલીકાએ વગર લોકાર્પણે કચેરી શરૂ કરી દીધી છે.