અમરેલીમાં રેમડેસીવીર ઇન્જેક્શનનાં અભાવે મોતને ભેટતા દર્દીઓ

સરકાર પાસે ઇન્જેકશન છે પણ તે કોરોના પોઝિટિવ દર્દીઓ માટે જ છે જ્યારે ન્યુમોનીયાના દર્દીને પણ આ જ ઇન્જેક્શનની જરૂર હોય તેને ઇન્જેકશન મળતા નથી : મહાનગરોમાંથી બ્લેકમાં મંગાવવા પડે છે

અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં 100 જેટલા દર્દીઓ તથા શહેરની ખાનગી હોસ્પિટલોમાં અનેક દર્દીઓ માટે આ ઇન્જેકશનની શોધખોળ ચાલુ હોય છે : 900 ના ઇન્જેકશન 5000 માં મળે તો મળે

અમરેલી,કોરોનાની મહામારીને પહોંચી વળવા માટે સરકાર દ્વારા શ્રેણીબધ્ધ અને સુંદર પગલાઓ લેવાઇ રહયા છે પરંતુ આભ ફાટે ત્યારે કેવી પરિસ્થતી થાય તેનો અહેસાસ અત્યારે સૌ કરી રહયા છે આવા સંજોગોમાં એક નવી અને ખુબ જ મહત્વની સમસ્યા સામે આવી છે જેમાં જરૂરી મેડીસીનના અભાવે દર્દીઓ મરણને શરણ થઇ રહયા છે આ વ્યવસ્થા સરકાર ધારે તો સુધરી શકે તેમ છે.
કોરોના પોઝિટિવ દર્દીને ફેફસા ઉપર સંક્રમણ થયુ હોય ત્યારે સાદી ભાષામાં કહીએ તો ફેફસાને ચોખ્ખા કરવા રેમડેસીવીર નામના ઇન્જેક્શનનો ઉપયોગ કરવામાં આવે છે 900 રૂપીયાની કિંમતનું આ ઇન્જેકશન કોરોના અને ન્યુમોનીયાના દર્દીઓ માટે સંજીવની જેવુ કામ કરે છે હવે સરકારની ગાઇડલાઇન એવી છે કે જે કોરોના પોઝિટિવ દર્દીઓ છે તેમને આ ઇન્જેક્શન આપવાનું અને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં પોઝિટિવ દર્દીઓને આ ઇન્જેક્શન આપવામાં આવે છે પરંતુ પોઝિટિવ દર્દીઓ કરતા પણ વધ્ાુ સંખ્યામાં કોરોના નેગેટીવ આવ્યા હોય અને ફેફસાને અસર થઇ હોય તેવા ન્યુમોનીયા પ્રકારની બિમારીથી પિડીત દર્દીઓની સંખ્યા છે આ દર્દીઓ માટે રેમડેસીવીર ઇન્જેક્શન સંજીવની જેવા સાબિત થાય તેમ હોય છે.
અમરેલીની ખાનગી હોસ્પિટલો આવા દર્દીઓને કારણે રેમડેસીવીર ઇન્જેક્શનની તલાશમાં હોય છે તો અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં જ વોર્ડ નં.6,7,8,9,2 અને દાઝી ગયેલાના બર્ન્સ વોર્ડમાં પણ 100 કરતા વધારે કોરોના નેગેટીવ આવ્યા હોય અને લક્ષણો કોરોનાના હોય તેવા દર્દીઓ છે તેના માટે પણ આ જ ઇન્જેક્શન જરૂરી હોય છે પરંતુ અમરેલીમાં આ ઇન્જેક્શન ખુલ્લી બજારમાં મળતા નથી ડોકટરો ઇન્જેક્શન લખી આપે છે પરંતુ ઇન્જેક્શન મેળવવા ક્યાંથી તેવો જેમ રામાયણમાં હનુમાનજીને સંજીવની લાવવાનો પ્રશ્ર્ન હતો તેવો પ્રશ્ર્ન ઉભો થાય છે રાજકોટ, ભાવનગર, અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં આ ઇન્જેક્શનો ખાનગી મેડીકલમાંથી લાઇનમાં ઉભા રહયા પછી મળે છે અને તે પણ 900 નું ઇન્જેક્શન 5000 ના ભાવે વહેંચાય છે જે લોકોની પાસે આ શહેરોમાં સબંધીઓ છે, નાણા છે તે મહા મહેનતે લાવી શકે છે પરંતુ જે મધ્યમ વર્ગના અને ગરીબ છે તે ઇન્જેકશનના અભાવે મૃત્યુ પામે છે અમરેલીમાં આવા રોજના એકાદ બે મૃત્યુના બનાવો બની રહયા છે તે હકીકત છે. સરકાર સમક્ષ અમરેલીના ડો.કાનાબારથી માંડી અનેક લોકોએ ઇન્જેક્શનની જરૂરીયાત છે તેની ગાઇડલાઇન ફેરવો તેવી રજુઆત કરી છે પરંતુ ઇન્જેક્શનના અભાવે દર્દીઓ મરણને શરણ થઇ રહયા છે તે કોઇ કહેતુ નથી સરકાર આ ઇન્જેક્શનના ઉત્પાદકોને ઇન્જેક્શન મોટા પ્રમાણમાં ઉત્પાદિત કરી ખાનગી મેડીકલ સ્ટોરમાં સરળતાથી મળી શકે તેવી વ્યવસ્થા કરવા માટે તાકિદ કરે તો આ સગવડતા થઇ શકે અને લોકો મરતા અટકી શકે તેમ છે.