અમરેલીમાં લોકો પાલિકા કોને સોંપશે ? : અટકળો શરૂ

માઇક્રો પ્લાનીંગથી અમરેલીની 44 એ 44 બેઠકો ભાજપ મેળવશે 2010 ની ચુંટણીમાં ભાજપે આપેલા સુશાસનને આજે પણ યાદ કરાય છે : શ્રી તુષાર જોષી

આ વખતે અમે ભ્રષ્ટાચારીઓને ટીકીટ નહી આપીએ નવા ચહેરાને મેદાનમાં ઉતારશુ ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશુ : કોંગ્રેસ પ્રમુખ શ્રી લલીત ઠુંમર

અમરેલી, અમરેલી નગરપાલિકાના વર્તમાન બોર્ડની મુદત પુરી થતી હોય અને બે ત્રણ મહિનાની અંદર જ ચુંટણી યોજાવાની હોય ત્યારે આ વખતે શહેરીજનો નગરપાલિકાનો વહીવટ કોંગ્રેસને સોંપશે કે ભાજપને તેની અટકળો ચાલી રહી છે.
અમરેલી નગરપાલિકા 2010 ની ચુંટણીમાં ભાજપને લોકોએ સતા આપી હતી જેમાં 36 માંથી 29 બેઠકો ભાજપને લોકોએ આપી હતી અને શ્રીમતી મંજુલાબેન જોષી પાલિકાના પ્રમુખ બન્યા હતા ત્યારે ભાજપે પાલિકામાં પુર્ણ રૂપે સતાના સુત્રો સંભાળી શાસન કરેલ ત્યાર બાદ આવેલી અને પાટીદાર અનામત આંદોલન વખતે સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં ફુંકાયેલા પવનમાં જિલ્લાની 10 તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત અને અમરેલી, સાવરકુંડલા અને બગસરા ત્યાર પછી બાબરા નગરપાલિકાઓમાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા.
અમરેલીમાં નગરપાલિકાના 11 વોર્ડ ની 44 બેઠકો ઉપર ગઇ ચુંટણીમાં ભાજપને બે આંકડામાં પણ સીટ મળી ન હતી લોકોએ કોંગ્રેસને પહેલી જ વખત પ્રચંડ બહુમતી આપી હતી અને ત્યાર પછી શહેર વિકાસ સમિતી અસ્તિત્વમા આવી હતી જેમના ચેરમેન ભાજપના અગ્રણી શ્રી પી.પી.સોજીત્રા હતા અને પ્રારંભીક તબક્કે લગભગ અઢી વર્ષ જેટલા સમય માટે તેમણે માર્ગદર્શ ન આપ્યુ હતુ.
હાલમાં શહેર ભાજપના પ્રમુખ શ્રી તુષાર જોષીના જણાવ્યા અનુસાર પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના આદેશ અને માર્ગદર્શન અનુસાર માઇક્રો પ્લાનીંગથી અમરેલીની 44 એ 44 બેઠકો ભાજપ મેળવશે અને કાયર્કરો તેના માટે કામે પણ લાગી ગયા છે અને 2010 ની ચુંટણીમાં ભાજપે સુશાસન આપ્યુ હતુ જેની નોંધ આજે પણ લોકો લઇ રહયા છે અને તે બોર્ડની કિંમત થઇ રહી છે. અમરેલી શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી લલીત ઠુંમરે જણાવેલ કે આ વખતે અમે ભ્રષ્ટાચારીઓને ટીકીટ નહી આપીએ નવા ચહેરાને મેદાનમાં ઉતારશુ ભાજપના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડશુ અને પેજ પ્રભારી, બુથ પ્રભારી અને વોર્ડ પ્રભારીની તૈયારી અમારી પણ માઇક્રો પ્લાનીંગ સાથે પુર જોશમાં શરૂ છે.