અમરેલીમાં વેપારીના ખાતામાં નાણા હોવા છતા પણ યુકો બેંક દ્વારા ચેક રિટર્ન કરાયો

  • ખાતામાંથી યુકો બેંક દ્વારા 16 હજારને બદલે 26 હજાર આપી દેવાયાં
  • વેપારી દ્વારા પોલીસ ફરિયાદ

અમરેલી,
અમરેલીમાં યુકો બેંક દ્વારા વેપારીના કરંટ ખાતામાંથી ચેક પેટે જે તે પાર્ટીને 10 હજાર વધારે આપી દેતા અને એ ઉપરાંત એ જ વેપારીના ખાતામાં બેલેન્સ હોવા છતા ચેક રિટર્ન કરી વેપારીની આબરૂ ધુળમાં મેળવી દેતા ત્રાહીમામ પોકારી ગયેલા વેપારી દ્વારા બેંકના મેનેજર અને સબંધકર્તા અધિકારીઓ અને કર્મચારી સામે પોલીસ ફરિયાદ કરવા માટે એસપીશ્રી અને શહેર પોલીસને લેખીત આપતા ખળભળાટ મચી ગયો છે.આ અંગેની વિગત એવા પ્રકારની છે કે અમરેલીના જનરલ મેડીકલ સ્ટોરના ભાગીદાર દિપકભાઇ શાંતીલાલ મહેતાએ અવધ ફાર્મા પાસેથી ખરીદ કરેલ દવા પેટેનું રૂા. 16 હજાર 643 ના બીલ પેટે ચેક આપતા અવધ ફાર્માના ખાતામાં યુકો બેંકે જનરલ મેડીકલના ખાતામાંથી 16 હજાર 643 ના બદલે 26 હજાર 643 ની રકમ જમા કરાવી દીધી હતી અને બેંકના ગ્રાહક એવા વેપારીએ તેના ખાતાની નકલ માંગતા કોઇ જવાબ અપાયો ન હતો આ ઉપરાંત એ અગાઉ તેના ખાતામાં પુરતુ બેલેન્સ હોવા છતા બદનક્ષી કરવા માટે ખોટી રીતે ચેક પરત કરતા તેને નોટીસ પણ આપી હતી તે નોટીસને કારણે જ કિન્નાખોરી રાખી બેંકે 10 હજારને ખોટી રીતે કાપી રેકર્ડમાં ચેડા કર્યા હોય તેની સામે પગલા લેવાની ફરિયાદ દિપકભાઇએ કરી છે.