અમરેલીમાં વેરો ભરવામાં ડાંડાઇ કરતા મોબાઇલ ટાવરનાં સંચાલકોને તેડું

અમરેલી, અમરેલી નગરપાલીકાની વેરા વસુલાત શાખા દ્વારા બાકી વેરાની રકમ વસુલવા માટે તમામ વોર્ડમાં ટીમો બનાવી અને બાકી રકમ વસુલવા આકરા પાણીએ પઠાણી ઉઘરાણી કરી રહી છે. ત્યારે શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં ઉભા કરાયેલા મોબાઇલ ટાવરનાં સંચાલકોને આવતી કાલે બાકી વેરાની રકમ ભરપાઇ કરી જવા માટે બોલાવવામાં આવ્યા છે. આવી જ રીતે બીએસએનએલ પાસે બાકી વસુલવાની નીકળતી રૂા. 9 લાખ જેવી રકમ,તેમજ જીલ્લા પંચાયત હસ્તકના પથીકાશ્રમ (જુબેલી ધર્મશાળા) પાસે રૂા. 8 લાખ જેવી રકમ લાંબા સમયથી વસુલવાની બાકી થતી હોય આવા તમામ અરજદારોને બાકી વેરાની રકમ ભરપાઇ કરી જવા માટે આખરી માંગણા નોટીસ ફટકારવામાં આવી છે. અને જો આવી રકમ નહી ભરપાઇ કરવામાં આવે તો મિલ્કત જપ્તી અને સીલ મારી દેવા સુધીના આકરા પગલા લેવા માટે અમરેલી નગરપાલીકાની વેરા વસુલાત શાખાએ કમર કસી છે. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી શહેરમાં લાંબા સમયથી મકાન વેરાની ચડત રકમ ભરપાઇ નહી કરનાર આસામીઓ સામે મિલ્કત જપ્તીના આકરા પગલા લેવાની તૈયારી વહીવટી તંત્ર દ્વારા હાથ ધરી દેવામાં આવી છે. જેમાં શહેરનાં જુદા જુદા વિસ્તારોમાં ખાનગી કંપનીનાં મોબાઇલ ટાવરો ઠેક ઠેકાણે ઉભા કરી દેવામાં આવ્યા છે. આ તમામ મોબાઇલ ટાવરની કંપનીઓ દ્વારા લાંબા સમયથી વેરો ભરપાઇ કરવામાં ડાંડાઇ કરવામાં આવી રહી હોય આ તમામ મોબાઇલ ટાવરના સંચાલકોને આવતી કાલે નગરપાલીકાની કચેરી ખાતે બાકી વેરાની રકમ ભરપાઇ કરી દેવા માટે મૌખીક સુચનાઓ આપી દેવામાં આવશે. તેમ અમરેલી વેરા વસુલાત શાખાના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યુ હતુ.