અમરેલીમાં વૈશાખે અવિરત વરસાદ : અમરેલીમાં અડધો ઇંચ

અમરેલી,

અમરેલી શહેર અને જિલ્લામાં છેલ્લા સાત દિવસથી રાજ્યના હવામાન વિભાગની આગાહીના પગલે કમોસમી વરસાદ શરૂ રહેતા કેરી, કેળા જેવા બાગાયતી પાકો તેમજ ઉનાળુ બાજરી, જુવાર, તલ, મગ સહિતના પાકોને નુકશાન પહોંચતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છેઅમરેલી શહેર અને જિલ્લામાં આજે બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવતા બપોર બાદ જિલ્લામાં હળવા ભારે વરસાદ શરૂ થયો હતો. અમરેલી શહેરમાં સમીસાંજે ધોધમાર વરસાદ પડતા જુની પાલિકા કચેરી સામે પાણી ભરાયા હતા. જેના કારણે લોકો અને વાહનચાલકોને મુશ્કેલી ભોગવવી પડી હતી. અચાનક વરસાદ આવતા બજારમાં ખરીદીમાં નીકળેલા લોકોમાં પણ અફડા તફડી મચી હતી. ઇન્દીરા શાકમાર્કેટમાં પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણીનો ભરાવો થતા શાકભાજી ખરીદી કરવા આવેલા મહિલાઓ સહિતના લોકોને બહાર નીકળવામાં ભારે મુશ્કેલી સર્જાઇ હતી. રાજુલા તાલુકાના મોટા આગરીયા ગામે આજે બપોર બાદ ધોધમાર વરસાદ પડી જતા ગામમાંથી પાણી રોડ ઉપર વહી ગયા હતા તેમ પ્રકાશભાઇ ખુમાણે જણાવેલ. ધારી તાલુકાના ધારગણીમાં અડધો ઇંચ તેમજ માલકનેશમાં પણ વરસાદ પડયો હતો. જાફરાબાદના લોર ગામે પવન સાથે ધોધમાર અડધો ઇંચ વરસાદપડી જતા પાણી વહેતા થયાનું ડી.ડી. વરૂએ જણાવેલ. જ્યારે ટીંબીથી હિંમતદાદાના જણાવ્યા અનુસાર બપોર બાદ આકાશમાં વાદળાઓ છવાતા ધોધમાર એક ઇંચ વરસાદ પડી જતા ગામ બહાર પાણી વહેતા થયા હતા. રાજુલામાં સાંજના 6 વાગ્યે ધોધમાર અડધો ઇંચ જેવો વરસાદ પડી જતા પાણી વહેતા થયા હતા. જ્યારે રાજુલા તાલુકાના બાબરીયાધાર, વાવેરા, હિંડોરણા, ખાખબાઇ, વડ, છતડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં એકાએક વરસાદ તુટી પડતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા હતા અને વરસાદની સાથે પવન હોવાના કારણે બાગાયતી પાક કેરી તેમજ કેળાને અને ઉનાળુ પાક જુવાર તેમજ બાજરીને નુકશાન થયેલ છે. રાજુલા શહેરમાં વરસાદ પડતા બે કલાક વિજળી ગુલ થઇ હતી. નાગેશ્રી અને મીઠાપુર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડયો હતો. સાવરકુંડલા શહેરમાં વરસાદી ઝાપટુ પડયુ હતુ. લીલીયા, દામનગર, જાફરાબાદ, જાફરાબાદ મરીન સહિતના વિસ્તારોમાં વરસાદના છાંટા પડયા હતા. ખાંભા તાલુકાનાં નવા અને જુના માલકનેશ, વાંગધ્રા, નિંગાળા-2, ફાચરીયા, ત્રાકુડા, મુંજીયાસર સહિતનાં ગામોમાં ભર ઉનાળે બપોરનાં 2 કલાકમાં ધોધમાર બે ઇંચ જેવો વરસાદ પડયો હતો. ખેતરોમાં રહેલા બાજરો, ડુંગળી અને કેરીનાં પાકને મોટુ નુક્શાન થયું હતું. ચોમાસાની જેમ એકી સાથે બે ઇંચ વરસાદ પડતા નદીઓમાં ઘોડાપુર આવ્યાનાં પણ સમાચાર મળી રહ્યાં છે. જ્યારે ડેડાણ, વાંગધ્રામાં પણ સારો વરસાદ પડ્યો હતો. મીની વાવાઝોડા જેવો પવન ફુંકાતા પીજીવીસીએલના થાંભલા પડયાના સમાચાર મળી રહયા છે. જ્યારે માલકનેશમાં નળીયા ઉડયાનાં સમાચાર મળે છે તેમજ અનેક વૃક્ષો પણ પવનના કારણે પડી ગયા હતા. તમામ ગામડાઓમાં ભારે વરસાદથી નદીઓમાં પુર આવ્યુ હતુ તેમજ ડેડાણ સુપડાધાર તળાવ અને વાંગધ્રાના તળાવમાં સારૂ પાણી આવ્યાના સમાચાર મળી રહયા છે. ભર ઉનાળે કમોસમી વરસાદથી ખેડુત ભાઇઓમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે. રાજ્ય સરકાર દ્વારા નુકશાનીનું સર્વે કરવા ખેડુતોની માંગ ઉઠી છે.
અમરેલી જિલ્લા ફલડ કંટ્રોલરૂમમાં નોંધાયેલ વરસાદમાં અમરેલી 10 મીમી, ખાંભા 7 મીમી, રાજુલા 17 મીમી, લીલીયા 1 મીમી, સાવરકુંડલા 2 મીમી વરસાદ નોંધાયો