અમરેલીમાં શાંતાબા ગજેરા હોસ્પિટલમાં મૃત્યુ પામેલ કોરોના પોઝિટિવ દર્દી જીવતા થયા

  • રાત્રીના 10 વાગ્યે વેન્ટીલેટર ઉપર રાખેલ બ્રાહ્મણ સોસાયટીના દર્દીના શ્વાસ બંધ થઇ ગયા…
  • હોસ્પિટલના ડોકટરોની ટીમે દર્દીનું હદય બંધ પડી જતા શોક આપ્યા અને મૃત્યુ પામેલ દર્દીનું હદય ફરી ધબકતુ થયું પણ ધાર્યુ યમરાજનું થયુ સવારે 4 વાગ્યે ફરી દર્દીનું હદય બંધ થઇ ગયું

અમરેલી,
એમ કહેવાય છે કે કુદરતે જેટલા શ્વાસ નક્કી કર્યા છે તેટલા દરેકે લેવા પડે છે તે વાત સાચી પડતી હોય તેમ અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં કોવિડના આઇસીયુ વોર્ડમાં મૃત્યુ પામેલ દર્દી 6 કલાક માટે ફરી સજીવન થઇ અને આખરે મૃત્યુ પામ્યા હતા.અજીબોગરીબ અને હોસ્પિટલના તબીબોની નિષ્ઠાની ગવાહી આ ઘટનાની વિગતો એવા પ્રકારની છે કે સોમવારે રાત્રીના 10 વાગ્યે કોવિડના આઇસીયુમાં વેન્ટીલેટર ઉપર રહેલા અમરેલીના બ્રાહ્મણ સોસાયટીમાં રહેતા 54 વર્ષના દર્દીનું હદય બંધ થઇ ગયુ હતુ વેન્ટીલેટરના મોનીટરમાં તેમના હદયનો ગ્રાફ બંધ થઇ અને સીધી લીટી થઇ ગઇ હતી તેમનું હદય અને શ્વાસોશ્વાસ બંધ થઇ ગયા હતા સામાન્ય સંજોગોમાં આવુ થાય એટલે તેમનું વેન્ટીલેટર અને લાઇફસપોર્ટેડ સાધનો કાઢી લેવાતા હોય છે પણ 54 વર્ષના આ દર્દીને જીવાડવા માટે ફરજ પરના તબીબોએ રીતસર યમરાજ સામે જંગ ખેલવો હોય તેમ આ દર્દીના બંધ પડેલા હદયને ચાલુ કરવા માટે શોક આપ્યા હતા અને ક્યારેક જ થતા હોય તેવા કિસ્સામાં આ દર્દીનું હદય ફરી ધબકતુ થઇ ગયુ હતુ અને તદન નોર્મલ રીતે તેના ધબકારા શરૂ થઇ ગયા હતા અને આ અરસામાં તેમને શ્વાસ લેવામાં તકલીફ જણાતા તબીબોએ તેમના ફેફસામાં સીધી ઓક્સિજનની લાઇન ઉતારી હતી પરિણામે આ દર્દી ઓક્સિજન ઉપર પુર્વવત સ્થિતીમાં આવી ગયુ હતુ અને તેમનું હદય અને શ્વાસોશ્વાસ શરૂ થઇ ગયા હતા. રાત્રીના 10 વાગ્યે આઇસીયુ વોર્ડમાં એરકન્ડીશન વચ્ચે પણ પરસેવે રેબઝેબ થયેલ મેડીકલ ટીમ પોતાની મહેનત ફળી અને એક જિંદગી બચાવી શક્યા તેમ માની આનંદમાં આવી હતી પણ કદાચ આ દર્દીના શ્વાસોશ્વાસ થોડા કલાકોના જ લખાયા હતા તે શરૂ કરવામાં આ ટીમ નિમિત બની હતી સવારે 4 વાગ્યે આ દર્દીનું હદય ફરી બંધ પડી ગયુ હતુ અને તેમનું મૃત્યુ નીપજ્યુ હતુ. યમરાજ થોડા મોડા મોડા પણ આ દર્દીના પ્રાણ લઇ જવામાં સફળ થઇ ગયા હતા.