અમરેલીમાં શ્રી ધાનાણીના અન્નક્ષેત્રમાં શ્રી રૈયાણી ગૃપની સખાવત

અમરેલી,કોરોનાના પગલે સરકારે લોકડાઉન જાહેર કર્યુ અને લોકોમાં માનવતા મહેકી ઉઠી હોય તેમ અમરેલી શહેર ઉપરાંત જીલ્લાભરમાં હરીહરની હાંકલો પડવા માંડી છે. જેમાં અમરેલી જીલ્લાના કંઇક કંઇક કહેવાતા અને આર્થિક રીતે સધર એવા સેવાભાવીઓએ પોતાની તીજોરી ખુલ્લી મુકી દીધી હોય તેમ ઉદાર હાથે દાનનો ધોધ વહેતો કર્યો છે. રોકડ રકમ ચીજવસ્તુઓ ઉપરાંત શ્રમ પણ લોકોએ કોઇ જાતની અપેક્ષા વિના પુરો પડયો છે. ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીએ લોકો માટે વિનામુલ્યે રસોડુ શરૂ કર્યુ છે. જેનો અનેક પરિવારો લાભ લે છે. એટલુ જ નહી આ રસોડામાં પણ લોકડાઉન થયુ ત્યારથી આજે પણ અમરેલીના જાણીતા વેપારી અને રૈયાણી ગ્રુપ વાળા શ્રી કાળુભાઇ રૈયાણી અને શ્રી ઘનશ્યામભાઇ રૈયાણી તથા રાજેશભાઇ રૈયાણીએ અદભુત સેવા આપી છે. આ રસોડામાં તા.14 સુધીમાં 530 મણ શાકભાજી વિનામુલ્યે પુરૂ પાડી શ્રી પરેશભાઇ ધાનાણીના મફત રસોડામાં પોતાની સેવા આપી હતી. તે ઉપરાંત રૈયાણી ગ્રુપે અમરેલીના મહાત્મા મુળદાસ અન્નક્ષેત્રમાં તમામ શાકભાજી વિનામુલ્યે પુરૂ પાડી માનવતા મહેકાવી છે. જ્યારે અમરેલીમાં બાલમુકુંદ હોલ અને બાલમુકુંદ કેટરર્સના માલીક પ્રવિણભાઇ ધાનાણીએ પણ પોતાની શ્રમસેવા આપી છે. શ્રી પરેશભાઇ ધાનાણી દ્વારા ચાલતા વિનામુલ્યે રસોડામાં લોકડાઉનથી આજ સુધી તમામ રસોઇ વિનામુલ્યે બનાવી આપે છે. અમરેલીમાં શ્રી પીપી સોજીત્રાની પ્રેરણાથી મહાત્મા મુળદાસ અન્નક્ષેત્રમાં કરીયાણાની સેવા નવજીવન હોસ્પિટલના શ્રી ભાવીનભાઇ સોજીત્રા અને અમરેલી નગર શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી જે.પી.સોજીત્રા આપી રહયા છે.આ જગ્યામાં શ્રી યોગેશ ગણાત્રાની પણ વર્ષોથી અન્યન્ય સેવા છે
તે પણ બિરદાવવા લાયક છે. આમ ઠેર ઠેર વિનામુલ્યે રસોડામાં લોકો લાભ આપે છે અને લાભ મેળવે છે. ઠેર ઠેર હરીહરની હાંકલ પડતા અનેક ગરીબ ગુરબા જરૂરીયાતમંદ લોકોને જીવનદોરી સમાન બનેલ છે ત્યારે રૈયાણી ગ્રુપવાળા કાળુભાઇ રૈયાણી, ઘનશ્યામભાઇ રૈયાણી, રાજેશભાઇ રૈયાણી, પ્રવિણભાઇ ધાનાણી, ભાવીનભાઇ સોજીત્રા, જે.પી.સોજીત્રા અને ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા શ્રી પરેશભાઇ ધાનાણીને પણ બિરદાવવા જ રહયા.