અમરેલીમાં સરપંચો સાથે સંવાદ કરતા શ્રી સીઆર પાટીલ

  • સિનિયર કેબીનેટ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહજી ચુડાસમા, શ્રી દિલીપ સંઘાણી, શ્રી નારણભાઇ કાછડીયા, શ્રી જે.વી.કાકડીયાની ઉપસ્થિતીમાં 
  • ભાજપા સરકારની મહિલાઓ, વિધવા બહેનો, વૃદ્ધો, દિવ્યાંગજનો, નાની દીકરીઓ, યુવાઓ માટેની યોજનાઓ તેના સુધી પહોંચાડવા સરપંચશ્રીઓને શ્રી પાટીલનું આહવાન
  • ધારીનાં યુવાન સરપંચ શ્રી જીતુભાઇ જોષી દ્વારા સરકાર દ્વારા અપાતી વિવિધ યોજનાઓની જાણકારી આપવામાં આવી : જિલ્લાભરમાંથી વિશાળ સંખ્યામાં સરપંચો ઉપસ્થિત રહયા 

અમરેલી,
અમરેલીમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત જિલ્લાના વિવિધ ગામના સરપંચશ્રીઓને સંબોધન કરતાં ભાજપા પ્રદેશ અધ્યક્ષશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ગ્રામજનો માટે, સમાજ માટે કોઈપણ જાતની અપેક્ષા વગર કાર્ય કરવાની ઇચ્છા સાથે આપ સૌ સરપંચશ્રીઓ સતત જનસેવા અને ગ્રામવિકાસનું જે કાર્ય કરો છો તે માટે આપ સૌને અભિનંદન પાઠવું છું. આપણા દ્વારે આવેલા નાગરિકની સમસ્યા જાણી અને સમજી તેનું નિરાકરણ લાવીએ એ જ આપણો સૌથી મોટો નફો છે. શ્રી પાટીલે સૌ સરપંચશ્રીઓને ગ્રામજનો માટે કરવામાં આવતા વિવિધ કાર્યોના ડિજિટલ ડેટા સંગ્રહનું મહત્વ સમજાવી તમામ કામોના રેકોર્ડ રાખવા અંગે એક સુનિયોજિત સિસ્ટમ સાથે કાર્ય કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકાર અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની જનકલ્યાણકારી યોજનાઓની માહિતી ગ્રામ્ય વિસ્તારના વધુમાં વધુ લોકોને સરળતાથી મળી રહે અને મહત્તમ લાભાર્થીઓને સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે ઉપસ્થિત સૌ સરપંચશ્રીઓને ’વ્હોટ્સેપ હેલ્પડેસ્ક’ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, 0261-2300000 નંબર પોતાના મોબાઈલમાં સેવ કરીને વ્હોટ્સેપમાં ’HI’ મેસેજ કરવાથી મેસેજ આવશે જેનો રીપ્લાય ’0’(ઝીરો) લખીને મોકલવાથી યોજનાઓનું લિસ્ટ નંબર સાથે આવશે. જે યોજના વિશે માહિતી જોઈતી હોય તે યોજનાનો નંબર લખીને મોકલવાથી જે તે યોજનાની સંપૂર્ણ માહિતી મેસેજ મારફત આવી જશે. આ હેલ્પડેસ્કના ઉપયોગ થકી વધુ ને વધુ લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓના લાભ પહોંચતા કરવા શ્રી પાટીલે સરપંચશ્રીઓને આહવાન કર્યું હતું.
શ્રી પાટીલે ભાજપા સરકારની મહિલાઓ, વિધવા બહેનો, વૃદ્ધો, દિવ્યાંગજનો, નાની દીકરીઓ, યુવાઓને લગતી વિવિધ યોજનાઓના લાભ ગામના પ્રત્યેક ઘર સુધી પહોંચે તે દિશામાં કાર્ય કરવા જણાવ્યું હતું.
શ્રી પાટીલે જણાવ્યું હતું કે, આગામી ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવવા ભાજપા પાસે પ્રથમ ભ્રહ્માસ્ત્ર તરીકે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનો લોકપ્રિય અને વિશ્વસનીય ચહેરો છે, રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકારની પ્રજાલક્ષી કામગીરીનું ભાથું છે અને બીજું બ્રહ્માસ્ત્ર પેજકમિટી છે. રાજ્યભરમાં ચાલી રહેલ ભાજપાના પેજસમિતિ અભિયાનથી ભાજપા સંગઠન વધુ મજબૂત બની રહ્યું છે, પેજસમિતિના પાંચ સભ્યો ચૂંટણીમાં ભવ્ય સફળતા મેળવવા માટેનો અતિમહ્ત્વનો હિસ્સો છે. સરપંચોએ સરકારશ્રીની વિમા યોજનાનો દરેક ગામડાઓમાં લાભ લેવા જણાવેલ. જેમાં 2 લાખના વિમાનો લાભ મળી શકે અને આ યોજનાથી તેમના પતી કામસર બહાર જાય અને કોઇ અકસ્માતમાં અવસાન થાય તો તેમને વિમાનો લાભ મળવાથી તેમના પરિવારને કોઇ લાચારી નહીં રહે તેમ શ્રી પાટીલે જણાવેલ. આ કામગીરીમાં અમરેલી જીલ્લા બેંક અને અમર ડેરીના દોઢ લાખ સભાસદોને આવા વિમામાં જોડીને અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંક વિમાની રકમ ભરશે.
અમરેલી અને જુનાગઢમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શ્રી જવાહરભાઈ ચાવડા, શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા(હકુભા), પ્રદેશ મહામંત્રીશ્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રદેશ ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફિયા, પ્રદેશ મંત્રીશ્રી મહેશભાઈ કસવાલા, સાંસદશ્રીઓ રાજેશભાઈ ચુડાસમા, શ્રી નારણભાઇ કાછડિયા, પૂર્વ સાંસદ અને સહકારી અગ્રણીશ્રી દિલીપભાઈ સંઘાણી, પૂર્વ ધારાસભ્ય હિરાભાઇ સોલંકી , મનસુખભાઇ ભુવા, બાલુભાઇ તંતી, બાવકુભાઇ ઉંધાડ, વાલજીભાઇ ખોખરીયા, કાળુભાઇ વિરાણી, ધારાસભ્ય જે.વી. કાકડીયા, અમર ડેરીના ચેરમેન અશ્ર્વિનભાઇ સાવલીયા, પૂર્વ મંત્રી જયંતીભાઇ કવાડીયા, પ્રદેશ મંત્રી મહેશભાઇ કશવાલા, દિનેશભાઇ પોપટ, ડો. ભરતભાઇ કાનાબાર, શરદભાઇ લાખાણી, જીલ્લા સ.ખ.વે. સંઘના ચેરમેન જયંતિભાઇ પાનસુરીયા, જીલ્લા સંઘના ચેરમેન મનિષભાઇ સંઘાણી, જીલ્લા બેંકના જનરલ મેનેજર એ.બી. કોઠીયા, સુરતથી દાસભાઇ, શૈલેષભાઇ પરમાર, પીઠાભાઇ નકુમ, રવુભાઇ ખુમાણ સહિત જીલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહયા હતા. જૂનાગઢ જિલ્લા પ્રમુખશ્રી કિરીટભાઈ પટેલ, અમરેલી જિલ્લા પ્રમુખશ્રી કૌશિકભાઈ વેકરિયા, જૂનાગઢ મહાનગરના પ્રમુખશ્રી પુનિત શર્મા, ધારાસભ્યશ્રીઓ સહિતના ભાજપાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ સ્થાનિક સંગઠનના પદાધિકારીશ્રીઓ, અગ્રણીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સાંસદ નારણભાઇ કાછડીયા, એન.સી.યુ.આઇના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતે સરકારની વિવિધ યોજનાઓ વિષે સરપંચોને માહિતગાર કર્યા હતા.
આ પ્રસંગે ધારીના યુવાન ઉત્સાહી સરપંચ જીતુભાઇ જોષી અને ખાંભાના અમરીશભાઇ જોષીએ ગામડાઓના વિકાસ માટે સરકાર તરફથી મળતી ગ્રાન્ટ અને વિકાસના કામો વિશે માહિતી આપી હતી. પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી પાટીલનું સન્માન અમરેલી જીલ્લા મ.સ. બેંક, અમર ડેરી, જીલ્લા સ.ખ.વે. સંઘ, જીલ્લા સંઘ સરપંચો દ્વારા કરવામાં આવ્યું હતું. જીલ્લા ભાજપ દ્વારા શ્રી પાટીલનું તથા ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન કરવામાં આવેલ. આભાર વિધી ભુપેન્દ્રભાઇ બસીયા દ્વારા કરવામાં આવી હતી.