અમરેલીમાં 22મી માટે એસઆરપીની 4 કંપનીઓ ઉતારાશે

  • લુવારા પ્રકરણમાં સમાજની દિકરીને ન્યાય અપાવવા સોશ્યલ મિડીયામાં વાયરલ થઇ રહેલ કાઠી ક્ષત્રીય સમાજની વિવિધ ઓડીયો વિડીયો કલીપ વચ્ચે

અમરેલી,
લુવારાના પ્રકરણમાં તા.22મી એ અમરેલી એસપી કચેરીએ ઘેરાવ કરી ન્યાયની માંગણી સાથે જંડા અને ડંડા લઇ આવવાના કરણી સેનાના શ્રી રાજ શેખાવતએ વાયરલ કરેલ વિડીયો અને તેના સમર્થનમાં વિવિધ લોકો દ્વારા અમરેલી ઉમટી પડવા માટે કાઠી ક્ષત્રીય સમાજને કરાયેલી અપીલને પગલે અમરેલીમાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી માટે અમરેલીમાં એસઆરપીની ચાર કંપનીઓ ઉતારવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર 22મી એ સોમવારે બપોરે 3 વાગ્યે એસપી કચેરીને ઘેરાવ કરવાનો કાર્યક્રમ સોશ્યલ મિડીયાના માધ્યમથી વાયરલ થયો છે નવાઇની બાબત એ છે કે, આજ સુધી આ કાર્યક્રમ અંગે સોશ્યલ મિડીયામાં જ ઓડીયો અને વિડીયો કલીપના માધ્યમથી અનુરોધ કરાઇ રહયો છે.
અમરેલીમાં ભુતકાળમાં ઉનાકાંડમાં થયેલા આંદોલન વખતે પોલીસ અને આંદોલનકાર્યો વચ્ચે થયેલા ઘર્ષણમાં અમરેલીના આશાસ્પદ પોલીસ કર્મચારી શ્રી પંકજ અમરેલીયાનું મૃત્યુ નીપજ્યુ હતુ અને આંદોલનકાર્યો સામે હત્યાનો ગુનો દાખલ થયો હતો આવી ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા તમામ પ્રકારની આગોતરી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે 22મી ના અમરેલીમાં મોટી સંખ્યામાં ન્યાયની માંગણી માટે અને ઘેરાવ માટે કાઠી ક્ષત્રીય સમાજ તથા તેના સમર્થનમાં વાલ્મિકી અને ભરવાડ સમાજ ઉમટી પડે અને કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે માટે અમરેલીમાં એસઆરપીની ચાર કંપનીઓ ફાળવવામાં આવી છે જેમાની એક કંપની આજે રાત્રે આવી પહોંચવાની છે અને બીજી શનિવારે અને બાકીની બે ત્યારબાદ આવી પહોંચશે.દરમિયાન આજરોજ ગુરૂવારે અમરેલી પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તાલીમાર્થી લોકરક્ષક માટે વિવિધ ડ્રિલનું આયોજન કરવામાં આવેલ હતુ અને તેમાં ગેરકાયદેસર ટોળું વિખેરવા વજ્ર વાહન અને વરુણ વાહનના ઉપયોગ અંગેની જાણકારી આપવામાં આવી હતી.