અમરેલીમાં 24 કલાકમાં ત્રણ પોઝિટિવ સહિત 7 દર્દીના મોત

  • ખમૈયા કરજો જમરાજા, સુરતથી આવીને અમરેલીના આકાશમાં ચકકર મારતું જમરાજાનું વિમાન : વડીલો ઉપર ઘાત
  • અમરેલી, રાજુલાના ખારી અને બગસરાના શાપર ગામના વૃધ્ધ મળી ત્રણ પોઝિટિવ દર્દીએ અમરેલીમાં અંતિમ શ્ર્વાસ લીધા : નેગેટીવ આવેલ બે અને બે શંકાસ્પદ દર્દીના પણ મોત
  • માવજીંજવા,અમરેલી, મોટા ભંડારીયા અને જાફરાબાદના પીપળીકાંઠાના કોરોનાના શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયેલા ચારના મોત : ચારના અમરેલીમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા

અમરેલી,
અમદાવાદથી સુરતગયેલા જમરાજના વિમાનનું સીધુ ઉતરાણ અમરેલી જિલ્લામાંથયું હોય તેમ છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં સાતના મૃત્યું થયા છે જેમા ત્રણ કોરોનાના પોઝિટિવ આવેલા દર્દી હતા અને ચારને કોરોનાના શંકાસ્પદ વોર્ડમાં દાખલ કરાયા હતા જેમાં બેના રિપોર્ટ નેગેટીવ આવ્યા હતા પણ બેના રિપોર્ટ હજુ બાકી છે આમ છેલ્લા 24 કલાકમાં અમરેલીમાં કોરોનાના શંકાસ્પદ દર્દીના લીસ્ટમાં આવેલા સાત દર્દીઓના પ્રાણ યમરાજાએ હરી લીધા છે.
અમરેલી જિલ્લાના રાજુલાના ખારી ગામના જયંતીભાઇ તથા બગસરાના શાપર ગામના મધ્ાુભાઇ મેસુરીયાનું મૃત્યુ થયુ હતુ જે બન્નેની અમરેલીમાં અંતિમ વિધિ કરાઇ હતી જયારે અમરેલીના લાઠી રોડ ઉપર રહેતા અને સુરતથી ચાર દિવસ પહેલા આવેલ હસુભાઇ દવેનો આજે જ પોઝિટિવ રિપોર્ટ આવે અને આજે જ તેનું કોરોના પોઝિટિવ વોર્ડમાં રાત્રે મૃત્યું નિપજેલ જયારે અમરેલીના ચકકરગઢ રોડ ઉપર રહેતા બીપીનભાઇ ત્રિવેદી ને ગઇકાલે દાખલ કરાયા હતા અને આજે તેનો રિપોર્ટ આવે તે પહેલા જ તેમનું મૃત્યુ થયું હતુ.
આ ઉપરાંત કોરોનાના શંકાસ્પદ દર્દી ગણાવાયેલ અમરેલીના મોટા ભંડારીયા ગામના ભીખાભાઇ કસવાળા અને બગસરાના માવજીંજવા ગામના જેરામભાઇ રાબડીયાનું પણ મૃત્યું થતા તેમના મૃતદેહને તેના રિપોર્ટ માટે અમરેલી રાખી મુકવામાં આવ્યા છે. તથા કોરોનાના શંકાસ્પદ દર્દી જાફરાબાદના કાનજીભાઇ બાંભણીયા નું પણ મૃત્યું થતા અમરેલીમાં અંતિમ વિધિ કરવામાં આવી હતી.
આજે મૃત્યુ પામેલામાં તમામ મોટી ઉમરના વડીલો છે અને આ મૃત્યુ પણ અચાનક થયા હોવાનું આરોગ્ય સાથે સંકળાયેલ વર્તુળોએ જણાવ્યુ હતુ કોરોનાનાં પોઝિટિવ દર્દી અને શંકાસ્પદ દર્દીઓ કે જેમની તબીયત સ્ટેબલ હોય તે અચાનક ઉથલો મારે અને ગણતરીની મીનીટોમાં જ તેમનું મૃત્યુ નીપજે છે.
અમરેલીના કલેકટરશ્રીએ જણાવ્યુ હતુ કે મૃત્યુ પાછળનું પહેલુ કારણ સારવારમાં મોડુ આવવાનું છે મોટી ઉમરના વડીલો સાજા થઇ જવાશે માની જાતે દવા લઇ લે અને બે ત્રણ દિવસ સારૂ રહે ત્યાર પછી પાછા તબીયત બગડે ત્યારે હોસ્પિટલે આવે આમ આઠ દિવસનો બચવાનો જે સમય છે તે પુરો થઇ જાય અને વાયરસનું પ્રમાણ વધી ગયુ હોય ત્યારે દાખલ થાય જેનું પરિણામ મૃત્યુ હોય છે માટે જરા પણ તકલીફ હોય તો તાત્કાલીક સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવો અને સમયસર સારવાર કરાવવી હીતાવહ છે.