- આભને ટેકો આપે તેવા કાબરીયા પરિવારના ચાર ચાર સગા ભાઇઓની વિદાયથી શહેરમાં સન્નાટો
- પરિવારના મોટાભાઇ ડાયાભાઇના કારજ પ્રસંગ પછી રમેશભાઇ, મનસુખભાઇ અને નાગજીભાઇ સહિત મોટા ભાગનો પરિવાર કોરોના સંક્રમિત થયેલ:રમેશભાઇ કાબરીયા પછી 30 દિવસથી આઇસીયુમાં રહેલ મનસુખભાઇ અને છેલ્લે નાગજીભાઇના સારવાર દરમિયાન મૃત્યું
અમરેલી,
અમરેલીમાં વિવિધ સામાજિક સંસ્થાઓ અને સેવાકીય કાર્યો સાથે સંકળાયેલા કાબરીયા પરિવારના ચાર સગા ભાઇઓના માત્ર 45 દિવસમાં જ મૃત્યુ નીપજતા આ કરૂણાંતીકાથી અમરેલી શહેરમાં સન્નાટો છવાયો છે અને ઘેરા શોકની લાગણી વ્યાપી ગઇ છે.
અમરેલીના કાબરીયા પરિવારના વડીલ શ્રી ડાયાભાઇ પોપટભાઇ કાબરીયાનું 45 દિવસ પહેલા નિધન થયુ હતુ અને તેમના કારજ પ્રસંગે સ્નેહીજનો, પરિવારજનો એકત્ર થયા હતા ડાયાભાઇને નાના ચાર ભાઇઓ હતા તેમના કારજ પ્રસંગ પછી આ ચારમાંથી રમેશભાઇ, મનસુખભાઇ અને સુરતમાં રહેતા નાગજીભાઇ કોરોના સંક્રમિત થયા હતા રમેશભાઇને અમરેલી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું હદય બેસી ગયુ હતુ અને તેમનું મૃત્યુ થયુ હતુ બીજી તરફ એ જ અરસામાં તેમના ભાઇ મનસુખભાઇ (એમ.પી.)ને રાજકોટ ખસેડી વેન્ટીલેટર ઉપર રખાયા હતા તે જ અરસામાં સુરત રહેતા નાગજીભાઇને પણ કોરોના પોઝિટિવ થતા સુરતમાં દાખલ કરી વેન્ટીલેટર ઉપર રાખવામાં આવ્યા હતા પાંચેક દિવસ પહેલા જ રાજકોટ સારવાર લઇ રહેલા અને એક મહિનાથી મોત સામે ઝઝુમતા મનસુખભાઇનું મૃત્યુ થયુ હતુ અને આજે મંગળવારે સુરત ખાતે સારવાર લઇ રહેલા નાગજીભાઇનું પણ મૃત્યુ થતા માત્ર 45 દિવસના ટુંકા સમયમાં પરિવારના ચાર સગા ભાઇઓ મૃત્યુ પામતા અમરેલીમાં શોકની લાગણી ફરી વળી છે સજ્જન અને સેવાભાવી એવા કાબરીયા પરિવાર ઉપર આભ તુટી પડયુ હોય તેવી સ્થિતી સર્જાઇ છે અને શહેરમાં આ કરૂણાંતીકાને આઘાત સાથે શોકની લાગણી છવાઇ છે.