અમરેલી,
તાજેતરમાં તલાટી કમ મંત્રી અને જુનિયર ક્લાર્કની પરીક્ષાના પરિણામો પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા. ગુજરાત સરકાર દ્વારા હવે ભરતી પ્રક્રિયા પારદર્શક અને ઝડપી બનાવવામાં આવી છે. આ ભરતીમાં પાસ થયેલ ઉમેદવારોને તાલુકા અને સ્થળ પસંદગીનો કાર્યક્રમ રાજ્યભરમાં ચાલી રહ્યો છે. આજરોજ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ભરતભાઈ સુતરીયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવની પ્રેરક ઉપસ્થિતિમાં જિલ્લા પંચાયત અમરેલી ખાતે તલાટી મંત્રી અને
જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની સ્થળ પસંદગીનો કાર્યક્રમ યોજાયો હતો. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ થયેલ 57 જુનીયર ક્લાર્ક અને 238 તલાટી મંત્રી ઉમેદવારોએ અમરેલી ખાતે તાલુકા અને સ્થળ પસંદગી કરી હતી. તલાટી અને જુનિયર કલાર્કની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારો માટે સ્થળ પસંદગી કાર્યક્રમ ઓન સ્ક્રિન સિસ્ટમના માધ્યમથી યોજાયો હતો. જેના થકી સ્થળ પસંદગી સંપૂર્ણ રીતે પારદર્શક રીતે કરવામાં આવી હતી.જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભરતભાઈ સુતરીયાએ જણાવ્યુ કે, સરકાર દ્વારા ઓન સ્ક્રિન સિસ્ટમ થકી સ્થળ પસંદગી પ્રક્રિયા પારદર્શક બનાવવામાં આવી છે. ઉપરાંત આ પ્રક્રિયા ઝડપી પણ છે. તલાટી મંત્રી અને જુનીયર ક્લાર્કની પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોની સ્થળ પસંદગીના કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપા કોટક પણ ઉપસ્થિત રહ્યા હતા.