અમરેલીમાં 70 ગરીબ લાભાર્થીઓને મકાનનો કબ્જો સોપાશે

અમરેલી,અમરેલી નગરપાલીકા દ્વારા શહેરમાં વસવાટ કરતા આર્થિક અને નબળા વર્ગના લોકો માટે આજથી 10 વર્ષ પહેલા 281 જેટલા ક્વાર્ટરો અલગ અલગ જગ્યાએ બનાવવામાં આવ્યા હતા. પરંતુ આ ક્વાર્ટરની ફાળવણી થાય તે પહેલા જ કેટલાક તત્વોએ આ ક્વાર્ટર ઉપર પોતાનો કબ્જો જમાવી દીધો હતો. અને છેલ્લા એક દસકાથી આવા લોકો આ ક્વાર્ટરમાં અનઅધિકૃત રીતે વસવાટ કરી રહયા હતા. જ્યારે હકીકતમાં જે લોકોએ રૂા. 5 હજાર નગરપાલીકામાં જમા કરાવ્યા હતા તેવા લોકોને ક્વાર્ટર નહી મળતા આવા લાભાર્થીઓમાં રોષ ફેલાયો હતો. દરમિયાનમાં આ લાભાર્થીઓ પોતાના ઘરના રહેણાંકમાં વસવાટ કરી શકે તે માટે આજરોજ નગરપાલીકાની કચેરી ખાતે આવાસ કમીટીની એક બેઠક નગરપાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાના અધ્યક્ષ સ્થાને અને કમીટીના ચેરમેન ચીફ ઓફીસરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી.
જેમાં 70 જેટલા લાભાર્થીઓએ ક્વાર્ટર મેળવવા માટે અગાઉ રૂા. 5 હજાર ભર્યા હતા તેવાને તા. 26 જાન્યુઆરીના રોજ મકાનનો કબ્જો સોપવામાં આવશે તેમ નગરપાલીકાના સુત્રોએ જણાવ્યુ હતુ. આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ અમરેલી નગરપાલીકા દ્વારા રાજ્ય સરકારની આઇએચએસડીપી યોજના અંતર્ગત ફતેપુરના રસ્તે 209 મકાનો અને ભાવકા ભવાની મંદિર પાસે 62 જેટલા આવાસો આજથી 2008/9 ની સાલમાં બનાવવામાં આવ્યા હતા. પરંતુ તે વખતે માત્ર ગણ્યા ગાઠયા લોકોએ જ ક્વાર્ટર મેળવવા માટે અરજીઓ કરી હતી. અને તે પેટે રૂા. 5 હજાર જમા પણ કરાવ્યા હતા. આ ક્વાર્ટર બની ગયા બાદ કેટલાક લોકો અનઅધિકૃત રીતે આ ક્વાર્ટરમાં કબ્જો જમાવી અને વસવાટ કરી રહયા છે. આ તમામ લોકો મકાનની કિંમત જો પુરેપુરી ભરપાઇ કરી દે અને પુરેપુરા ડોક્યુમેન્ટ (પુરાવા) રજુ કરશે તો તેઓને પણ આ ક્વાર્ટરની સોપણી કરવામાં આવશે. આમ છતા આવા અનઅધિકૃત રીતે વસવાટ કરતા લોકો જો ક્વાર્ટર ખાલી નહી કરે તો તેઓના ક્વાર્ટર તાત્કાલીક ખાલી કરાવવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ 70 જેટલા લાભાર્થીઓએ આવાસ મેળવવા માટે ફોર્મની સાથે રૂા. 5 હજાર ભરપાઇ કર્યા હતા તેવા તમામ લાભાર્થીઓને તા. 26 જાન્યુઆરી સુધીમાં આ આવાસનો કબ્જો સુપ્રત કરી દેવા માટે નગરપાલીકાના વહીવટી તંત્ર દ્વારા ચક્રોગતીમાન કરી દેવામાં આવ્યા છે. જ્યારે બાકી રહેતા 95 જેટલા આવાસનો કબ્જો સોપવા માટેની કાર્યવાહી ટુંક સમયમાં શરૂ કરવામાં આવશે. આમ અમરેલી નગરપાલીકા દ્વારા આજથી એક દસકા પહેલા બનાવવામાં આવેલ ક્વાર્ટરનો કબ્જો મુળ લાભાર્થીઓને સુપ્રત કરવામાં આવશે. આજે નગરપાલીકાની કચેરી ખાતે આવાસ કમીટીની મળેલી બેઠક નગરપાલીકાના પ્રમુખ જયંતીભાઇ રાણવાના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં ચીફ ઓફીસર, બાંધકામ કમીટીના ચેરમેન, ટાઉન પ્લાનીંગ શાખાના ચેરમેન તેમજ નગરપાલીકાના એન્જીનીયર અને પ્રાદેશીક નિયામક કચેરીના એક ઇજનેરની ઉપસ્થિતિમાં આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો.