અમરેલી, અકાળા, આંબા, ધાર, હામાપુરમાં 15 દિવસમાં 70 લોકોના મોતથી ખળભળાટ

  • શિયાળામાં અને ચોમાસાનાં ભાદરવામાં વડીલો વિદાય લેતા હતા પણ હવે કટાઇમની વિદાય
  • જિલ્લામાં મૃત્યુ પામનારાઓમાં 90 ટકા 60 વર્ષ ઉપરના લોકો : વડીલોની ટપોટપ વિદાયથી સમાજમાં એક આખી પેઢીની જગ્યા ખાલી થઇ રહી છે

અમરેલી,
સામાન્ય રીતે ઉમરલાયક લોકો ભાદરવા મહિનાની મિશ્રૠતુ અને તડકો તથા શિયાળામાં પડતી કડકડતી ટાઢને સહન ન કરી શકવાના કારણે ઉમરલાયક વડીલો વિદાય લેતા હતા પણ હવે આપણી વચ્ચેથી વડીલો કટાઇમની વિદાય લઇ રહયા હોય તેમ અમરેલી, અકાળા, આંબા, ધાર, હામાપુરમાં 15 દિવસમાં 70 લોકોના મોતથી ખળભળાટ મચી ગયો છે.
છેલ્લા 15 દિવસમાં અમરેલીમાં બંને સ્મશાનોમાં 40 જેટલા શબ આવ્યા હતા અને સાવરકુંડલાના ધારમાં 10 લોકો, લાઠીના અકાળામાં 4, લીલીયાના આંબામાં 6 અને બગસરાના હામાપુરમાં 3 દિવસમાં 9 લોકોના મૃત્યુ થયા છે આ માત્ર આ પાંચ જ ગામના આંકડાઓ ભેગા કરીએ તો 70 જેટલા મરણના બનાવો બન્યા છે.
આ વખતે વિશેષ બાબત એ છે કે મૃત્યુ પામનારાઓમાં 90 ટકા 60 વર્ષ ઉપરના લોકો છે આ વડીલોની ટપોટપ વિદાયથી સમાજમાં એક આખી પેઢીની જગ્યા ખાલી થઇ રહી છે જિલ્લાના અન્ય ગામોમાં મરણના આંકડાઓ અલગ હશે પણ અહીં માત્ર 15 દિવસમાં પાંચ જ ગામના આંકડા એ માટે રજુ કરાયા છે કે લોકો અત્યારના બનતી ઘટનાઓને ગંભીરતાથી લે.