અમરેલી એરપોર્ટમાં જેટ પ્લેનનાં લેન્ડીંગનો રન વે કરો

અમરેલી,
સુરતથી અમરેલી આવવુ હોય તો માત્ર 20 મિનીટમાં જેટ પ્લેન પહોંચાડી શકે છે પણ અમરેલીમાં જેટ પ્લેનના લેન્ડીંગ અને ટેકઓફ માટે રન વે નથી જેથી અમરેલી એરપોર્ટમાં જેટ પ્લેનનાં લેન્ડીંગનો રન વે કરવો જરૂરી છે.
હાલમાં ગુજસેલ સંચાલિત અમરેલી એરપોર્ટ ઉપર માત્ર નાઇન સીટર અને ખાનગી ટચુકડા પ્લેનો જ ઉતરી શકે છે અને જાણવા મળતી માહિતી અનુસાર અમરેલીના એરપોર્ટના રન વે ને વધારવા માટે સરકારે લીલીઝંડી આપી દીધી છે પણ તેના માટે અમરેલીમાંથી સર્વે થઇ ફાઇલ સબંધીતો પાસે પહોંચે તો અમરેલીના એરપોર્ટનું વિસ્તરણ શક્ય બનશે આના માટે સાંસદશ્રી કાછડીયા દ્વારા આ મામલે ધ્યાન અપાય તેવી લોક માંગણી છે.
હાલમાં અમરેલીમાં હેલીકોપ્ટર જેવી હવાઇ સેવા માટેના ઉપકરણો બનાવવા માટે કંપની આવી છે અને તેની ફેકટરીનું બાઉન્ડ્રી કામ શરૂ પણ થઇ ચુક્યુ છે ત્યારે અમરેલીના વિકાસ માટે જો એરપોર્ટ મોટુ હશે તો વિકાસની નવી તક ખુલશે તેમાં કોઇ શંકા નથી.