અમરેલી એલસીબીના બે હેડ કોન્સટેબલ સહિત ચાર પોલીસમેનને સસ્પેન્ડ કરતા એસપીશ્રી નિર્લિપ્ત રાય

  • અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચના સુકાની સોને પે સુહાગા સાબિત થયાં : હપ્તા ગોઠવનાર એલસીબીના બે જમાદારોની જાણ બહાર સફળ રેડ કરી
  • બાબરાના કરીયાણામાં રોજના એક એક હજારના હપ્તા ગોઠવી જુગારધામ શરૂ કરાવ્યું હતુ : એલસીબીના શ્રી કરમટાએ “”ઘરના ભેદીને’’ આબાદ પકડી પાડી એલસીબીની પ્રતિષ્ઠા, વિશ્ર્વસનીયતાને આબાદ રાખી

અમરેલી,
અમરેલી જિલ્લાના પોલીસ બેડામાં જાસુસી સંસ્થાઓને ટક્કર મારી દે તેવો કિસ્સો બહાર આવ્યો છે જેમાં જુગારીઓ સાથે મળીને પોલીસની છબી ખરડાવાનો પ્રયાસ કરનાર લોકલ ક્રાઇમ બ્રાન્ચના બે કર્મચારીઓને ક્રાઇમ બ્રાન્ચના સુકાની આર.કે.કરમટાએ તેમની જાણ બહાર તેમના ગોઠવેલા સેટીંગ ઉપર દરોડો પાડી જુગારધામ પકડતા ક્રાઇમ બ્રાન્ચના બે હેડ કોન્સટેબલ સહિત ચાર પોલીસમેનોને એસપીશ્રી નિર્લિપ્ત રાયએ તાકિદની અસરથી સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળેલ છે.
સુત્રોમાંથી જાણવા મળતી વિગતો અનુસાર જાસુસી સંસ્થાઓને પણ ટક્કર મારે તેવા આ કિસ્સાની કડીબધ્ધ વિગતો એવા પ્રકારની છે કે અમરેલીની લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં બે હેડ કોન્સટેબલએ બાબરાના એક કોન્સટેબલ અને હેડ કોન્સટેબલ સાથે મળી અને કરીયાણા ગામે એક સ્થાનિક જુગારધામ ચલાવનાર સાથે સેટીંગ કર્યુ હતુ કે તમે અહીં જુગાર ચાલુ કરો બાબરા વાળા અને અમરેલીનું એલસીબીના આ બંને જમાદારો સંભાળી લેશે અને તેના બદલામાં જુગારી પાસેથી રોજના એક વ્યક્તિના એક હજાર પ્રમાણે ચાર હજાર રૂપીયાનું સેટીંગ ગોઠવ્યુ હતું.
ઘરના કોઇ સભ્યનો પગ આડો પડે કે કુંડાળામાં પડે ત્યારે ઘરના મોભીને સ્વભાવિક જ શંકા જાય કે કાંઇક ડખ્ખો છે આજ રીતે જિલ્લા આખા સહિત ગુજરાત ભરમાં વખણાતા અમરેલીના પ્રમાણીક અને નિષ્ઠાવાન એસપીશ્રી નિર્લિપ્ત રાયના હાથ નીચે કામ કરી અને અનુભવી બનેલા અમરેલી એલસીબીના ઇન્ચાર્જ પીઆઇ શ્રી આર.કે.કરમટાની બાજ નજરમાં કંઇક રંધાણુ હોવાનું આવી ગયુ હતુ એલસીબીના બીજા સ્ટાફને પણ ઉપરના સેટીંગની ખબર ન હતી શ્રી કરમટાએ એલસીબીના સેટીંગ કરનારા બે જમાદારોને અંધારામાં રાખી અને સીધી કરીયાણા રેડ કરી અને ચાર લાખ જેવો મુદામાલ પકડી પાડયો હતો અને તેના હાથમાં પકડાયેલા જુગારીએ શ્રી કરમટાની “”કુનેહભરી’’ પુછપરછમાં પોપટ બની વટાણા વેરી નાખતા શ્રી કરમટા પણ ચોંકી ઉઠયા હતા ક્રાઇમ બ્રાન્ચએ અમર્યાદિત સતા ધરાવતી જિલ્લાની મહત્વની બ્રાન્ચ છે તેના જ કર્મચારી ભ્રષ્ટાચાર કરે તો તેની સામે કડક પગલા અનિવાર્ય હોય છે એસપીશ્રી નિર્લિપ્ત રાયએ એલસીબીના હેડ કોન્સટેબલો કિશનભાઇ કાળુભાઇ હાડગરડા અને સંજયભાઇ ધીરૂભાઇ મકવાણા તથા બાબરા પોલીસ સ્ટેશનના હેડ કોન્સટેબલ જયદેવસિંહ ચંદુભાઇ સોલંકી અને પોલીસ કોન્સટેબલ ભાવિક લાલજીભાઇ ખેરને તાકિદની અસરથી સસ્પેેન્ડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.