અમરેલી એસપીના લોક દરબારમાં 50 ફરિયાદો આવી

  • અમરેલી પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજચક્રમાં ફસાયેલા લોકો લેખિત ફરિયાદો સાથે આવ્યા
  • એસપી દ્વારા જિલ્લામાં વ્યાજખોરો તેમજ લેન્ડ ગ્રેબર્સનો ભોગ બનનારને સાંભળવા માટે યોજાયેલા લોકદરબારમાં વ્યાજખોરીની વધુ ફરિયાદો આવી
  • જેની મીલકત પચાવી પડાઇ હોય તેવા 50થી વધારે અરજદારોની આવેલી ફરિયાદોની ચકાસણી કરી અને ગુના દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ

અમરેલી,
અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા વ્યાજખોરો અને લેન્ડ ગ્રેબર્સ અંગે લોક દરબાર યોજાયો હતો જેમા 50થી વધારે અરજદારોએ વ્યાજનાચક્રમાં પોતાની મીલકત પડાવી લવાઇ હોવાની અને ભુમાફીયાઓ સામે લેખિતમાં રજુઆતો કરાઇ હતી.
જિલ્લા પોલીસ દ્વારા જણાવાયેલ યાદી અનુસાર જરૂરીયાતમંદ મધ્યમ વર્ગના માણસો આર્થિક સંકડામણના લીધે, મજબુરીના કારણે, પોતાના સારા-નરસાં પ્રસંગો ઉકેલવા અને જરૂરિયાતો પુરી કરવા, વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે નાણાં મેળવતા હોય છે. જેનો ફાયદો ઉઠાવી, વ્યાજંકવાદીઓ ઉંચુ વ્યાજ વસુલ કરતા હોય છે અને જો વ્યાજ કે મુદ્દલ ન ચુકવી શકાય તો આવા વ્યક્તિઓની મિલ્કત ગેરકાયદેર રીતે ધાક ધમકી આપી, ડરાવી, ધમકાવી, પડાવી લેતા હોય છે પરંતુ સામાન્ય પ્રજા આવા વ્યાજંકવાદીઓના ડર, બીકના કારણે તેમના વિરૂધ્ધ ફરિયાદ કરતા નથી કે તેમની સામે ક્યાંય રજુઆત કરતા નથી અને વ્યાજંકવાદીઓના ત્રાસથી બચવા પોતાનું વતન છોડી અન્ય સ્થળે જતા રહેતાં હોય છે. અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લામાં આવા વ્યાજખોર ઇસમો તેમજ લેન્ડ ગ્રેબર્સનો ભોગ બનનાર અરજદારોના લોક દરબારનું આયોજન કરવામાં આવેલ. આ લોક દરબારને લોકો તરફથી સારો એવો પ્રતિસાદ સાંપડેલ છે. આ લોક દરબારમાં પચાસથી વધુ અરજદારો પોતાના પ્રશ્નો લઇને ઉપસ્થિત રહેલ હતાં. આ અરજદારો મુખ્યત્વે સાવરકુંડલા, ખાંભા, ધારી તથા રાજુલા તાલુકામાંથી આવેલ હતાં.ઉપરોક્ત અરજદારો પૈકી જે અરજદારોની જમીન તથા મિલકત માથાભારે ઇસમો દ્વારા પચાવી પાડવામાં આવેલ છે, તેઓને નવા અમલમાં આવેલ લેન્ડ ગ્રેબીંગના કાયદાની જોગવાઇઓ મુજબ લેન્ડ ગ્રેબર્સ વિરૂધ્ધ અરજી આપવા સમજ કરવામાં આવેલ છે. જે અરજદારો વ્યાજખોરોનો ભોગ બનેલ હતાં, તેવા અરજદારોની અરજીઓ મેળવી, તે અરજીઓ અંગે તપાસ હાથ ધરવામાં આવેલ છે.
આ અરજીઓની તપાસ કરી, ગુન્હા રજી. કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવશે.અને વ્યાજખોરો અને લેન્ડ ગ્રેબર્સના ભોગ બનેલ હોય અને આવા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગતા હોય તેવા તમામ અરજદારો અમારી કચેરીએ રૂબરૂ મળીને વિગત આપી શકશે. તેમ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ એક યાદીમાં જણાવેલ છે.