અમરેલી/કુંડલામાં મ્યુકર માઇકોસિસનાં બે શંકાસ્પદ કેસ

અમરેલી,
મ્યુકર માઇકોસીસ સામે અમરેલી જિલ્લામાં તંત્ર દ્વારા એલર્ટ જાહેર કરાયા બાદ આજે જાણવા મળતી માહિતી અનુસાર મ્યુકર માઇકોસીસનાં બે શંકાસ્પદ કેસ આવતા તેમને સચોટ પરિક્ષણ માટે રાજકોટ અને અમદાવાદ ખસેડવામાં આવી રહ્યાં હોવાનું જાણવા મળેલ છે.
અમરેલીનાં ચિતલ રોડ ઉપરનાં કોરોના પોઝીટીવ પુરૂષ દર્દીને અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ખસેડાયા બાદ ડાયાબીટીક આ દર્દીને મ્યુકર માઇકોસીસ જેવા લક્ષણો જણાતા રાજકોટ ખસેડવાની તજવીજ રાત્રે શરૂ છે અને સાવરકુંડલાનાં એક પુરૂષ દર્દીને દસ દિવસ પહેલા કોરોના પોઝીટીવ હોય તે નેગેટીવ રિપોર્ટ આવ્યાં પછી રજા અપાતા તેને નાકમાં મ્યુકર માઇકોસીસ જેવા લક્ષણો સાથે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા બાદ તેના નિદાન માટે અમદાવાદ ખસેડવાની તજવીજ શરૂ હોવાનું વિશ્વાસ પાત્ર વર્તુળોમાંથી જાણવા મળેલ છે.
જાણવા મળતી માહિતી અનુસાર હાલમાં સત્તાવાર રીતે મ્યુકર માઇકોસીસનાં શંકાસ્પદ કેસ હોવાનું જાહેર નથી થયું. પરંતુ તેની જેવા લક્ષણો સાથે આ બે દર્દીઓ જોવા મળતા આરોગ્ય વર્તુળોમાં ખળભળાટ મચ્યો છે. બંનેનાં નિદાન રાજકોટ અને અમદાવાદ ખસેડાયા બાદ જાહેર થશે. તેમ જાણવા મળેલ છે.
અમરેલી જિલ્લામાં કોરોનાનાં 11 નવા કેસ નોંધાતા જિલ્લામાં કોરોનાના કુલ કેસની સંખ્યા 3488 થવા પામી છે.
આજે બુધવારે કોવિડના એકપણ દર્દીનું મૃત્યુન થતા રાહત છવાઇ છે.