અમરેલી-કુંડલા યાર્ડમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

અમરેલી,અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને અમરેલી તાલુકાની ખરીદી જેમને સોંપાઇ છે તેવી અમરેલીની શ્રી પ્રતાપપરા સેવા સહકારી મંડળીના ચેરમેન શ્રી અશ્ર્વીન સાવલીયા દ્વારા અમરેલી યાર્ડમાં ચણાની ખરીદીનો શુભારંભ કરાયો હતો.
જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર હંમેશાં ખેડુત હિતલક્ષી નિર્ણયો લે છે. ત્યારે ગુજકોમાસોલના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીના નેજા હેઠળ સમગ્ર ગુજરાતમાં અમરેલીથી જણસીની ખરીદીની શરૂઆત થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતને હંમેશા પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ તમામ ગુજરાતીઓને આજના ગુજરાત સ્થાપના દિનની એ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.
ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ જણાવ્યું હતું કે, ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ તેમજ સલામત બનાવવા કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા જણસીની ખરીદી તેમજ ટેકાના ભાવ અંગેના હંમેશા ઉત્તમ નિર્ણય લેવામાં આવે છે. બજારમાં આવતાં તુવેર, મગ, મઠ, ચણાની જણસને વ્યાજબી ભાવ મળી રહે તે માટે સરકાર દ્વારા તેને ટેકાના ભાવે ખરીદવામાં આવે છે.
કેન્દ્ર સરકાર નાફેડને આ કામગીરી સોંપે છે અને ત્યાર બાદ રાજ્ય સરકારના સહકારથી આ કામગીરી કરવામાં આવે છે. માર્કેટિંગ યાર્ડમાં ચણાનું વેચાણ કરવાં આવેલા ધરતીપુત્ર ભાવેશભાઈ વામજા જણાવે છે કે, બજારમાં ચણાના ભાવ માત્ર 700 છે જ્યારે અહીં સરકાર દ્વારા સારામાં સારા 975 સુધીના ભાવ આપી ચણાની ખરીદી કરવામાં આવે છે. એ બદલ અમે સરકારના આભારી છીએ.
આ તકે અગ્રણી સર્વશ્રી અશ્વિનભાઈ સાવલિયા, અમરેલી એપીએમસીના ચેરમેન શ્રી મહોનભાઇ નાકરાણી, જિલ્લા સંઘના પ્રમુખ શ્રી જયંતીભાઇ પાનસુરીયા, જિલ્લા સહકારી સંઘના પ્રમુખ શ્રી મનીષ સંઘાણી, સહકારી આગેવાન શ્રી ભાવનાબહેન ગોંડલીયા, શ્રી કૌશિકભાઈ વેકરીયા, અમર ડેરીના એમડી શ્રી ડૉ. આર એસ પટેલ તથા પ્રવિણભાઇ વિરપરા, યાર્ડના સેક્રેટરીશ્રી પરેશ પંડયા, પ્રાંત અધિકારીશ્રી ઉંધાડ, પુરવઠા અધિકારી શ્રી મેહુલ બારાસરા તથા વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.