અમરેલી,
કમુરતાને કારણે લગ્નના મેળાવડાઓ બંધ હતા અને તે સમયે જ કોરોનાનું આક્રમણ થયુ છે ત્યારે અમરેલી જિલ્લામાં દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઇ રહયો છે અને હવે 14 તારીખ પછી કમુરતા ઉતરતા જ લગ્ન પ્રસંગો યોજાવાના છે જેમાં મર્યાદા 400 ને બદલે 150 ની કરી નખાઇ છે પણ તેમ છતા લગ્ન પ્રસંગોમાં ક્યાંકને ક્યાંક કોરોના વિલન બની સામે આવે તેવી શક્યતા છે.
આજે બુધવારે અમરેલી જિલ્લામાં કોરોનાના 26 કેસ નોંધાયા છે જેમાંથી અમરેલી તાલુકામાં જ 15 કેસ છે બાબરામાં 8, બગસરામાં 2 અને કુંકાવાવમાં 1 કેસ નોંધાયો છે અમરેલી જિલ્લામાં હાલમાં કોરોનાના 121 એક્ટિવ કેસ છે જેમાના 4 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને આજે 10 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે. બુધવારે અમરેલી જિલ્લામાં કોરોનાનાં 2520 સેમ્પલો લેવાયા હતા અને 8473 લોકોનું રસીકરણ થયુ હતુ.
બુધવારે અમરેલી શહેરના મુખ્ય માર્ગો ઉપર અમરેલીના પ્રાંત અધિકારીશ્રી સી.કે. ઉંધાડ અને સીટીપીઆઇ શ્રી જે.જે. ચૌધરી સહિતની પોલીસ ટીમે શહેરમાં કોવિડને અનુલક્ષી ગાઇડલાઇનનું પાલન થાય છે કેમ તેનું નિરીક્ષણ કર્યુ હતુ અને માસ્ક વગર રખડતા લોકો સામે એક એક હજારના દંડની કાર્યવાહી હાથ ધરી હતી.