અમરેલી જિલ્લાનાં દરિયાકાંઠે હાઇએલર્ટ : ફફડાટ

અમરેલી,
કોરોનાના કહેર વચ્ચે કુદરતની વધ્ાુ એક ઉપાધીના વાવડે લોકોમાં ફફડાટ ફેલાવ્યો છે મુંબઇ અને દક્ષિણ ગુજરાત વચ્ચેેથી પસાર થનારા વાવાઝોડાને લઇને તંત્ર દ્વારા આગોતરા પગલાઓ લેવામાં આવ્યા હોવાનું કલેકટરશ્રી આયુષ ઓકએ જણાવ્યું છે.
અમરેલી જિલ્લાના કલેકટરશ્રીએ વાવાઝોડા અંગેની વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, 3 જૂનના રોજ વાવાઝોડાની આગાહી છે. હાલ તે ગોવા આસપાસ અરબી સમુદ્રમાં જોવા મળી રહ્યું છે. અંદાજે 3 તારીખે આ વાવાઝોડું મુંબઇ તેમજ દક્ષિણ ગુજરાતના જીલ્લાઓની વચ્ચેથી ફંટાશે. હવામાન વિભાગ દ્વારા આ બાબતે ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેના ભાગરૂપે તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લેવામાં આવ્યા છે. જે અન્વયે 23 ગામોને એલર્ટ કરાયા છે. જાફરાબાદ જે.ટી. પરથી દરિયામાં જતી તમામ બોટને પરત બોલાવવામાં આવી છે. પીપાવાવ પોર્ટ તેમજ જાફરાબાદ દ્વારા વોર્નિંગ સિગ્નલ પણ આપી દેવામાં આવ્યું છે. દરેક ગામ માં હેલ્થની ટિમ તેમજ તાલુકા પંચાયત અને મામલતદાર ઓફિસમાંથી પણ સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જેથી જો લોકોને સ્થળાંતરિત કરવાની પરિસ્થિતિ ઉદભવે તો પણ જરૂરી સ્ટાફ સતત ત્યાં હાજર હોય.
ઉપરાંત પૂરતા પ્રમાણમાં પાણી અને દવાઓના જથ્થો પૂરો પાડવાની સૂચના આપવામાં આવી છે. આર.એન.બી. સ્ટેટ દ્વારા ક્લસ્ટર લેવલે જેસીબી અને લેબરની ટિમો તૈનાત કરવામાં આવી છે . સાથોસાથ પી.જી.વી.સી.એલ. દ્વારા દરેક તાલુકા વાઇસ કવીક રિએક્શન ટિમ કાર્યરત કરવામાં છે. ભારે પવનના લીધે જો વિજપોલમાં નુકસાન થાય તો તેનો ત્વરિત ઉકેલ થઈ શકે. અમુક જગ્યાએ જો વધુ પવન વર્તાશે તો તેવા કિસ્સામાં તે લોકો પાવરનું પ્રિવેંટિવ શટડાઉન કરશે પરંતુ એ બાબતે 2-3 કલાક અગાઉથી સૌને જાણ કરવામાં આવશે.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વાવાઝોડાને લઈને તમામ સાવચેતીરૂપ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે. હાલ દરિયા કાંઠા વિસ્તારે આઈ.એસ.ઇ. ની કામગીરી અને વાવાઝોડાને લઈને જાગૃતિ લક્ષી પ્રચાર-પ્રસારની કામગીરી શરૂ છે. તમામ લોકોને વિનંતી છે કે, 3 જી જૂને રાજુલા અને જાફરાબાદના તમામ લોકો અતિ આવશ્યક કામ સિવાય ઘર બહાર ન નીકળે. નીચાણવાળા વિસ્તારોમાં કે દરિયા કાંઠા નજીકના વિસ્તારોમાં વસવાટ કરતા લોકો અને કાચા મકાનોમાં રહેતા લોકો પોતપોતાના સગાસંબંધીઓ ના ઘરે જ્યાં પાકા મકાનો ઉપલબ્ધ હોય તેમજ ઉચાણવાળા વિસ્તારમાં જતા રહે.
રાજ્ય સરકાર દ્વારા એન.ડી.આર.એફ.ની એક ટીમ જાફરાબાદ ખાતે મોકલવામાં આવી છે. જે આજે રાત સુધીમાં અહીં પહોંચી જશે. અને સમગ્ર વાવાઝોડાની પરિસ્થિતિ કાબુમાં ન આવે ત્યાં સુધી અહીં તૈનાત રહેશે.

ક્યાં ક્યાં ગામોને એલર્ટ કરાયાં ?
જાફરાબાદના શિયાળબેટ, ભાકોદર, વારાસ્વરૂપ, બાબરકોટ, વાંઢ, મીતીયાળા, વઢેરા, બલાણા, રોહીસા, કડીયાળી, ધારા બંદર, રાજુલાના ચાંચ, ખેરા, પટવા, દાતરડી, સમઢીયાળા-1, કથીવદર, વિસળીયા, વીકટર, નીંગાળા-1, પીપાવાવ, ભેરાઇ, રામપર-2, વડ, વચાદર, ઉચૈયા, ધારાનોનેસ, ખાખબાઇ, હિંડોરણા, ચોતરા, છતડીયા.

 

તાલુકા મથકોએ કંટ્રોલરૂમ કાર્યરત
રાજુલામાં સંભવિત વાવાઝોડા કે પુર અંગે તાલુકા કંટ્રોલરૂમ નં.02794 222039 તથા જાફરાબાદ તાલુકામાં 02794 245436 કાર્યરત કરાયાં

 

સ્થાનિક કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં રહેવા હુકમ
તલાટીકમ મંત્રી સહિતના કર્મચારીઓને હેડ ક્વાર્ટરમાં હાજર રહેવા અને તરવૈયાઓની માહિતી તૈયાર રાખવા આદેશ કરાયાં છે.