અમરેલી જિલ્લાના ગામડાઓને ધ્રુજાવતી ભેદી ઘટનાઓ

સાવરકુંડલા ,સાવરકુંડલાનાં મીતીયાળામાં સતત ધરતીકંપનાં અવાજ તથા ચિતલથી ગારીયાધાર વચ્ચેનાં ગામડામાં આકાશમાં ભેદી અવાજથી જનજીવન ભયભીત થયો છે. સોમવારે મીતીયાળામાં ત્રણ આંચકા બાદ અમરેલીનાં ચિતલ, જશવંતગઢ, હાથીગઢ, સાજણટીંબા, બોડીયા, ભેસાણ, ખારા, સનાળીયામા અને ગારીયાધારનાં ચારોડીયા, ધોળા અને અમરેલી નજીક બાબરાનાં આકાશમાંથી ભેદી અવાજે લોકોમાં ભારે ભયની લાગણી પ્રસરાવી છે. આ અવાજ શેનો તેવા કુતુહલ સાથે લોકોમાં અનેક પ્રશ્ર્નો ઉઠ્યા છે. હાથીગઢની આસપાસનાં ગામડાઓમાં સાંજનાં સમયે એકદમ ઉપર સુપરસોનીક પ્લેન ઉડતુ હોય તેવો અવાજ આવે છે અને કોઇ લાઇટ કે પ્લેન દેખાતુ ન હોય ગ્રામજનોમાં કુતુહલની સાથે ભયની લાગણી છવાઇ છે અને અવાર નવાર સાંજે આ અવાજ સંભળાતા લોકો બહાર નિકળી ગયાં હતાં.
સાવરકુંડલાના મીતીયાળામાં વહેલી સવારે7.43 અને 5:59 અને 7:05 મિનિટે એમ ત્રણ ધરતીકંપના એક હળવા આંચકાએ મીતીયાળા વાસીઓની ઊંઘ હરામ કરી હતી છેલ્લા એકાદ માસમાં પચાસેક ઉપરાંતના ધરતીકંપના હળવા આંચકા ઓ મીતીયાળા વાસીઓ અનુભવી રહ્યા છે તેમ મનુભાઇ દેલવાણીયાએ જણાવ્યું હતું. વધુમાં એવું પણ જણાવ્યું કે, અવારનવાર આવતા ધરતીકંપના આંચકાઓને કારણે મિતિયાળા વાસીઓમાં સતત ચિંતા ની લાગણી જોવા મળી રહી છે મીતીયાળા અભ્યારણનો જંગલ વિસ્તાર અને મિતીયાળા શહેરમાં છાશ વારે ધરતીકંપના આંચકાથી ધરા ધ્રુજી રહી હોવા છતાં પણ તંત્રમાં અનેક રજૂઆતો કરવા છતાં આજ દિન સુધી નિતિયાળા પંથકમાં શા કારણે ધરતીકંપ ના આંચકા અનુભવાય છે તેને લઈને તંત્રો પાસે કોઈ જવાબ નથી હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે મિતિયાળા વિસ્તારમાં સતત અનુભવાતા ભૂકંપના આંચકાને કારણે હજી સુધી ભૂકંપનો રિક્ટર સ્કેલ કેટલો તે અંગે ડિઝાસ્ટર મેનેજમેટે ક્યારેય ફોડ પાડ્યો નથી.
તાજેતરમાં મીતીયાળા પંથકમાં છેલ્લા પંદર દિવસમાં ધરતીકંપના પાંચ આંચકા આવ્યાની ઘટના લોકો ભુલ્યા નથી ત્યાં આકાશમાંથી આવતા ભેદી અવાજે લોકોને ભયભીત કરી દીધા હતાં. લોકમુખે ચર્ચાતી વિગતો અનુસાર અમરેલી તાલુકાના ગામડાઓ જેવા કે ખીજડીયા, ચીતલ, જસવંતગઢ, મોણપુર સહિતના ગામોમાં અગાસી ઉપર પ્લેનનો અવાજ આવતો હોય તેવો ભેદી અવાજ સાંભળવા મળ્યો હતો. પણ હકીકતમાં પ્લેન હોતું જ નથી છતાં આ ભેદી અવાજ શેનો છે?તેવો પ્રશ્ર્ન ગ્રામજનોમાંથી ઉઠયો હતો. એ પછી થોડા દિવસનાં વિરામ બાદ આજે ફરી આકાશમાં ભેદી અવાજ શરૂ થયો છે. અમરેલીનાં ચિતલ, જશવંતગઢથી મોણપુર અને ગારીયાધારનાં ચારોડીયા અને ધોળા સુધી આ અવાજ ફરીથી શરૂ થયો છે. આજે જશવંતગઢમાં સાંજનાં સમયે આકાશમાં ભારે અવાજ બાદ લોકોએ આકાશ તરફ જોયુ તો મોડે મોડેથી ત્રણ દુધીયા કલરની લાઇટો આકાશમાં દેખાઇ અને મોણપુર તરફનાં માર્ગે એ લાઇટ પણ ગાયબ થઇ ગઇ અને ફરીથી રાઉન્ડ માર્યા હતાં. ફરીથી રાઉન્ડ મારીને ચિતલ જશવંગતગઢ ઉપર ઘરઘરાટી બોલાવી હતી. આમ ઉપરા છપરી આકાશમાં ભેદી અવાજથી લોકો ભયભીત બન્યા છે. હાલ તો લોકો ના માનસમાં આ ભેદી અવાજ અનેક પ્રશ્ર્નો સર્જે છે પરંતુ તેનો કોઈ જવાબ નથી આ ગામોમાં લોકો એવું અનુભવે છે કે આપણાં ઘર ઉપર પ્લેન આવ્યું પરંતુ તેવું કશું હોતું નથી માત્ર અવાજનો અહેસાસ થતા લોકો પણ ભયભીત બન્યાં છે.