અમરેલી જિલ્લાના દરેડ ગામનો વતની શૈેલેશ ભટ્ટ સુરત પોલીસના સકંજામાં

  • અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ અને પીઆઇ પટેલ સહિત અનેક પોલીસનો ભોગ લેનાર
  • અમરેલીની આખી એલસીબી બ્રાંચને ખરડી નાખનાર શૈલેશ ભટ્ટ બીટકોઇન પ્રકરણમાં તે સુપ્રિમ કોર્ટમાંથી મનાઇ હુકમ લાવ્યો હતો

અમરેલી,
અમરેલીમાં જે તે વખતના એસપી અને પીઆઇ સહિત અનેક પોલીસ કર્મચારીઓનો ભોગ લેનારા બીટકોઈન પ્રકરણનો એક વખતનો ફરિયાદી અને પછી આરોપી બની ગયેલ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના દરેડ ગામના વતની એવો શૈલેષ ભટ્ટ સુરતના બીજા એક ગુનામાં દિલ્હીથી ઝડપાયો હોવાનું જાણવા મળેલ છે.
શૈલેષ ભટ્ટની સુરત ક્રાઇમ બ્રાંચે આર્મ્સ એક્ટ કેસમાં દિલ્હીથી તેની ધરપકડ કરી છે. બિટકોઈન કેસમાં ચર્ચાસ્પદ બનેલો શૈલેષ ભટ્ટ વોન્ટેડ હતો. આ દરમિયાન સરથાણા વિસ્તારમાં બિલ્ડરને આપેલા વ્યાજના રૂપિયાના બદલામાં હવાલો આપીને સૌરષ્ટ્રના ગેંગસ્ટરોને મોકલી ગેરકાયદેસર રીતે બિલ્ડરના ફ્લેટનો કબ્જો જમાવવાના કેસની તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપાઈ છે. શૈલેષ ભટ્ટે સરથાણાના બિલ્ડરને ચાર કરોડ રૂપિયા વ્યાજે આપ્યા હતાં. બિલ્ડર બે ટકાના દરે વ્યાજ સાથે 6 કરોડ ચૂકવ્યા હોવા છતાં શૈલેષ ભટ્ટ બીજા રૂપિયા માંગતો હતો. આ રૂપિયા કઢાવવા માટે શૈલેષ ભટ્ટે ગોંડલ નજીકના રિબડામાં રહેતા અનિરુધ્ધસિંહ મહિપતસિંહ જાડેજાને હવાલો આપી પોતાના માણસો મોકલી બિલ્ડરને ધમકી આપી સાથે ફ્લેટ પર કબ્જો જમાવ્યો હતો.આ કેસમાં બિલ્ડરે ફરિયાદ નોંધાવતાં પોલીસે કબ્જો જમાવનારને ઝડપી લઈને શૈલેષ ભટ્ટ સહિતના સામે ગુનો નોંધ્યો હતો. તપાસ ક્રાઈમ બ્રાંચને સોંપવામાં આવી હતી.