અમરેલી જિલ્લાના 10 માંથી 7 ડેમ હજુ પણ ઓવરફલો : દરવાજાઓ ખુલ્લા રખાયા

  • પ્રકૃતિ વર્ષો બાદ મહેરબાન બની : ઓકટોમ્બર માસમાં પણ નદી નાળાઓ છલકાયેલા
  • વડી, મુંજીયાસર અને વડીયા ડેમમાં નવી આવક બંધ થઇ : ખોડીયાર, ઠેબી, ધાતરવડી 1 અને 2, રાયડી, સેલદેદુમલ, સુરજવડીમાં પાણીની સતત આવકથી દરવાજા ખુલ્લા

અમરેલી,
માનવીઓની છેડછાડ અને ભુલોનો ભોગ બનતી અને રૂઠતી પ્રકૃતિ વર્ષો બાદ મહેરબાન બની છે ઓકટોમ્બર માસ અર્ધો પુરો થયો છે ત્યારે પણ અમરેલી જિલ્લામાં નદી નાળાઓ છલકાયેલા છે અમરેલી જિલ્લાના 10 માંથી 7 ડેમ હજુ પણ ઓવરફલો થઇ રહયા છે અને તેમના દરવાજાઓ ખુલ્લા છે જે ઇતિહાસમાં કદાચ પ્રથમ વખત છે.
અમરેલી જિલ્લાના જળાશયો પૈકી વડી, મુંજીયાસર અને વડીયા ડેમમાં નવી આવક બંધ થઇ છે અને દરવાજા બંધ કરાયા છે જ્યારે ગીર પંથકમાંથી ઝરણાઓ ફુટી ફુટીને વહી રહયા હોય જિલ્લાનો સૌથી મોટો ખોડીયાર ડેમ,24 વર્ષે પહેલી વખત ભરાયેલ ઠેબી, રાજુલાના સતત છલકાયેલા ધાતરવડી 1 અને 2 ડેમ, તથા ખાંભાના સૌથી પહેલા ઓવરફલો થયેલા રાયડી અને ક્યારેક જ છલકાતા સેલદેદુમલ તથા સુરજવડીમાં પાણીની સતત આવકથી દરવાજા ખુલ્લા છે.
આવુ બહુ લાંબા સમયે જોવા મળી રહયુ છે ત્યારે લોકો વગર પૈસાએ કુદરતી જળના ધોધ નીહાળી તહેવારોમાં પ્રકૃતિ સાથે એકાકાર થશે.