અમરેલી જિલ્લાના 3 રેલવે સ્ટેશનોનો ઈ-શિલાન્યાસ થયો

અમરેલી,
આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત દેશની વિકાસયાત્રામાં રેલેવે અને રેલવે સ્ટેશનનો વૈશ્વિક વિકાસ કરવાની નેમ સાથે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ રિમોટ કંટ્રોલથી દેશના 508 રેલવે સ્ટેશનના આધુનિકીકરણ અને નવિનીકરણ કાર્યનો ઈ-શિલાન્યાસ કર્યો હતો. અમરેલી જિલ્લાના 03 અને ભાવનગર જિલ્લાના મહુવા સહિત અમરેલી લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ સાવરકુંડલા, રાજુલા, દામનગર અને મહુવા સહિત કુલ 04 રેલવે સ્ટેશનની કાયાપલટ થશે.આ પ્રસંગે સાંસદશ્રી નારણભાઈ કાછડિયાએ જણાવ્યુ હતુ કે, આજે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે દેશના 508 રેલવે સ્ટેશનનું રુ.24,470 કરોડના ખર્ચે રિ-ડેવલપમેન્ટ થશે. જેમાં ભાવનગર મંડલના 17 રેલવે સ્ટેશન પૈકીના અમરેલી લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ, દામનગર, સાવરકુંડલા, રાજુલા અને મહુવા રેલવે સ્ટેશનનું પણ નવીનીકરણ થશે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશભરમાં આવેલ 1,309 રેલવે મથકોની કાયાપલટ કરવામાં આવશે,જેમાં વિશ્વ કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે. આ પ્રસંગે સાંસદશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, રેલવે મંત્રીશ્રી અશ્વિનીભાઈ વૈષ્ણવ, રેલવે રાજ્યમંત્રીશ્રી દર્શનાબેન જરદોષનો આ વિકાસકાર્યોમાં અમરેલી જિલ્લાના રેલવે સ્ટેશનોનો સમાવેશ કરવા બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. આ રેલવે સ્ટેશન ઈકો ફ્રેન્ડલી બિલ્ડીંગ સાથે આરામદાયક પ્રતિક્ષા કક્ષ, સુચારુ પાર્કિંગ વ્યવસ્થા, સ્વચ્છ શૌચાલય, ગ્રીન એનર્જી સાથે આકર્ષક લાઈટીંગ, દિવ્યાંગજનો માટે સુગમ સગવડોથી યુક્ત હશે. વધુમાં સ્થાનિક કલા અને સંસ્કૃતિઓની ઝાંખી થાય તે મુજબ દેશભરના રેલવે સ્ટેશનોની ’અમૃત સ્ટેશન’ તરીકે કાયાપલટ કરવામાં આવશે. સાવરકુંડલા રેલવે સ્ટેશન ખાતે યોજાયેલા આ વર્ચ્યુઅલ શિલાન્યાસ કાર્યક્રમમાં વિધાનસભાના નાયબ મુખ્યદંડકશ્રી અને અમરેલી-કુંકાવાવ-વડિયા વિસ્તારના ધારાસભ્યશ્રી કૌશિકભાઈ વેકરીયા, સાવરકુંડલા અને લીલીયા મતવિસ્તારના ધારાસભ્યશ્રી મહેશભાઈ કસવાલા, રાજુલા-જાફરાબાદ વિસ્તારના ધારાસભ્યશ્રી, હિરાભાઈ સોલંકી, ધારી-બગસરા-ખાંભા વિસ્તારના ધારાસભ્યશ્રી જે.વી.કાકડીયા, લાઠી-બાબરા વિસ્તારના ધારાસભ્યશ્રી જનકભાઈ તળાવિયા, રેલવેના ઉચ્ચ અધિકારીશ્રીઓ, સ્થાનિક પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા