અમરેલી જિલ્લાના 6.35 લાખથી વધુ લોકોને કોરોના પ્રતિરોધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓ અપાઈ

  • આયુર્વેદ શાખા દ્વારા 3.36 લાખ લોકોને ઉકાળાનું, 38492 જેટલા લોકોને સંશમવટીનું અને 2.60 લાખ લોકોને હોમિયોપથી દવાનું વિતરણ કરાયું

અમરેલી,
અમરેલી આયુર્વેદિક શાખા દ્વારા કોરોના વાયરસ પ્રતિબંધક ઉકાળા અને હોમિયોપેથીક દવાઓનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સમગ્ર જિલ્લામાં માર્ચ મહિનાથી લઈને ઓગસ્ટ દરમિયાન લોકોના ઘરે જઈને તેમજ કોરન્ટાઇન સેન્ટર અને કોવીડ કે સેન્ટરમાં ઉકાળા, સંશમ વટી અને હોમીયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ અંગે વધુ માહિતી આપતા જિલ્લા આયુર્વેદિક અધિકારીશ્રી યાદવે જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે જિલ્લામાં અગમચેતીના ભાગરૂપે પ્રજા સુધી પ્રતિરોધક ઉકાળા અને દવાઓ પહોંચે તે હેતુસર ઉકાળા અને હોમિયોપેથી દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. છેલ્લા છ મહિનામાં અમરેલી જિલ્લામાં 3.36 લાખ લોકોને કોરોના પ્રતિરોધક ઉકાળાનું, 38492 જેટલા લોકોને સંશમવટીનું અને 2.60 લાખ લોકોને હોમિયોપથી દવાનું વિતરણ કરવામાં આવ્યું હતું.ધન્વંતરી રથ વિશે વાત કરતા શ્રી યાદવે ઉમેર્યું હતું કે આરોગ્ય વિભાગ દ્વારા શરુ કરવામાં આવેલા ધન્વંતરી રથ માટે 350 કિલો સંશમ વટીની ફાળવણી કરવામાં આવી છે અને આ રથના 5.70 લાખ લાભાર્થીઓને હોમિયોપેથી દવા આપવામાં આવી છે. જાહેર જનતાએ વધુ માહિતી માટે આરોગ્ય ખાતાના અધિકારી ડો. વિવેક ગોસ્વામીનો 98982 55484 ઉપર સંપર્ક સાધવાનો રહેશે.