અમરેલી જિલ્લાની ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ : 45 ટકા હાજરી

અમરેલી,કોરોનાની વૈશ્ર્વિક મહામારીને કારણે લોકડાઉન બાદ લાંબો સમય સુધી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રહ્યાં બાદ અત્રે રાજ્ય સરકારે લીલી ઝંડી આપતા રાજ્યભરમાં આજે વર્ગખંડોમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે. અમરેલી જિલ્લામાં 762 ઉચ્ચતર પ્રાથમિક શાળાઓનાં 43370 વિદ્યાર્થીઓમાંથી 20809 વાલીઓએ સંમતિ પત્રો આપતા આજે વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં આવી ઓફલાઇન શિક્ષણ લીધુ હતું.
અંદાજીત 45 ટકા જેટલી પાંખી હાજરી વચ્ચે ધોરણ 6 થી 8 માં વિદ્યાર્થીઓ આજથી શિક્ષણ મેળવતા થયાં છે. ખાસ તો વાલીઓએ બાહેધરી આપતા શિક્ષણ કાર્ય શરૂ થયું છે. જે વાલીઓએ બાહેધરી આપી નથી તેવા બાળકો સ્કુલે આવ્યાં ન હતાં. તેમ શિક્ષણ સુત્રોમાંથી જાણવા મળ્યું છે.
દરમિયાન સાવરકુંડલામાં જેસર રોડ ખાતે આવેલી સ્વામિનારાયણ ગુરુકુળ સંચાલિત ખાનગી પ્રાથમિક શાળામાં શાળાનાં પ્રથમ દિવસે જ કુલ 70% વિદ્યાર્થીઓની હાજરી જોવા મળી હતી. આ સંદર્ભે અહીં ગિરીશભાઈ વ્યાસનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓનાં વાલીનાં સંમતિ પત્રક સાથે સરકારી કોવિડ ગાઈડલાઈનસનું ચુસ્ત પાલન કરીને વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ સંદર્ભે સોશ્યલ ડિસ્ટન્સીંગ અને સેનીટરાઈઝેશન પણ ધ્યાને રાખીને ખૂબ જ સાવચેતીપૂર્વક શિક્ષણનાં ધામમાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ હતી. જયારે સાવરકુંડલા શહેરમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા બ્રાંચ શાળા નંબર ચાર હાથસણી રોડ ખાતે આવેલી શાળામાં તો આજરોજ શાળા ખૂલતાં જ તમામ બાળકોનું પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું. શાળાનાં આચાર્ય મુકેશભાઈ મહેતા તથા શાળાના સિનિયર સંનિષ્ઠ વિદ્વાન મદદનીશ શિક્ષક ઘનશ્યામભાઈ ત્રિવેદીએ શાળામાં દરેક વર્ગોમાં વર્તુળ દોરી વર્ગમાં પણ સોશ્યલ ડિસ્ટન્સીંગ જળવાઈ રહે તેની તકેદારી રાખી હતી.