અમરેલી જિલ્લાની પ્રજાના મનમાં હજુ સંતોષ છે કે આક્રોશ એ કોણ જાણે છે?

ગુજરાતમાં ચૂંટણીના ચકરાવા વચ્ચે દેશ-દુનિયાના ઘટનાક્રમો પણ હવે ચિન્તા પ્રસરાવી રહ્યા છે. ઈન્ડોનેશિયા અને સોમાલિયા પછી હવે તુર્કીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે ચીન-અમેરિકાની તંગદિલી પણ હવે વૈશ્વિક ચિન્તાનું કારણ બની છે, તેમાં હવે ચીનમાં ફરીથી કોરોનાએ ઉથલો માર્યો હોવાથી પણ દુનિયામાં ડર ફેલાયો છે. અહેવાલો મુજબ અત્યારે ચીનમાં દરરોજ લગભગ ર૯ હજારથી વધુ નવા કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે અને વીસ દિવસમાં જ અઢી લાખ નવા કેસ નોંધાયા છે. અન કારણે ચીનના અનેક વિસ્તારોમાં કડક લોકડાઉનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

ચીને ઝીરો કોવિડ પોલિસી અપનાવી હોવાથી ત્યાં વારંવાર આકરા પ્રતિબંધો લગાવાઈ રહ્યા છે, આ કારણે ચીનનું ખાડે ગયેલું અર્થતંત્ર પણ ફરીથી હાલકડોલક થવા લાગ્યુ છે. ચીનનું અર્થતંત્ર ખાડે જાય, તો તેની અસર સમગ્ર વિશ્વના અર્થતંત્રો પર થાય તેમ હોવાથી અર્થશાસ્ત્રીઓ કોરોનાની વાપસી થયા પછી સમગ્ર દુનિયા સામે મંદી અથવા મહામંદીની લાલબત્તી ધરી રહ્યા છે.

બીજી તરફ દેશ-દુનિયામાં કોઈને કોઈ સ્થળે આવી રહેલા ભૂકંપના આંચકાઓએ પણ ચિન્તા જગાવી છે. ઈન્ડોનેશિયામાં ભૂકંપના કારણે સેંકડો લોકોના જીવ ગયા અને હજારો ઘાયલ થયા હોવાની આશંકા છે, અને માલ-મિલકતને પણ મોટું નુકસાન થયું છે. ઘણાં લોકો હજુ પણ ગાયબ પણ છે. તે પછી સોમાલિયામાં ૭ ની તીવ્રતા ભૂકંપે તારાજી સર્જી હોવાના અહેવાલો છે, અને હવે તૂર્કીમાં ધરા ધ્રુજી છે. ભારતમાં પણ વિવિધ સ્થળે અવાર-નવાર હળવા કે મધ્યમકક્ષાના ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે. ભૂકંપની આગાહી તો થઈ શકતી નથી, પરંતુ દુનિયાભરમાં વધી રહેલા ભૂકંપના કંપનો પછી હવે સમગ્ર વિશ્વમાં તેની પેટર્ન મુજબ સાવચેત રહેવાની ચેતવણીઓ આપવામાં આવી રહી છે.

આ પહેલા ભારે વરસાદ, પુર-અતિવૃષ્ટિ અને વાવાઝોડાઓએ તારાજી મચાવી અને કોરોનાકાળની ભયંકર મહામારી પછી સમગ્ર વિશ્વના અર્થતંત્રો તબાહ થઈ ગયા છે ત્યારે હવે ઉપરાછાપરી ભૂકંપની ઘટનાઓથી લોકોમાં ગભરાટ ફેલાયો છે, તો કોરોનાએ ચીનમાં ઉથલો મારતા ફરીથી વિશ્વમાં આ મહામારી ફેલાય તો શું થશે, તેની ચિન્તા પણ વિશ્વવ્યાપી બની છે.

આ પરિસ્થિતિમાં ભારતમાં પણ જરૂરી સાવચેતીના પગલાં તત્કાલ લેવાય તે જરૂરી છે અને અત્યારે ચાલી રહેલા ચૂંટણીના માહોલની વચ્ચે આ પ્રકારની સંભાવનાઓ સામે સવેળા જાગૃત થઈને કોરોના સહિતના અન્ય રોગચાળાઓ સામે વધુ અસરકારક કદમ ઉઠાવાય તે જરૃરી છે, કારણ કે કોરોનાનું રસીકરણ સંપન્ન કર્યા પછી પણ કોરોના થવાની ઘટનાઓ સામે આવી રહી છે, અને ચીન પછી આ મહામારી ફરીથી વિશ્વભરમાં નહીં ફેલાય તેની કોઈ ગેરંટી નથી, ત્યારે હવે લોકો સ્વયં પણ જાગૃત રહે તે પણ અત્યંત જરૂરી છે. આ કારણે જ વિમાની પ્રવાસ દરમિયાન માસ્ક ફરજીયાત નહીં રહ્યું હોવા છતાં સ્વૈચ્છિક રીતે માસ્ક પહેરવાની સલાહ આપવામાં આવી છે.

જો કે, અત્યારે ચૂંટણીના માહોલમાં આ ગંભીર પ્રકારની વૈશ્વિક ચિન્તા પ્રત્યે કોઈનું ધ્યાન ખેંચવાનું નથી, પરંતુ હવે અઠવાડિયામાં પ્રથમ તબક્કો પૂરો થઈ જતાં ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી સૌરાષ્ટ્રમાં તો અટકી ગયેલી કેટલીક કામગીરીઓ તથા પ્રવૃત્તિઓ પુનઃ શરૃ થઈ જ જશે, હવે એક અઠાવડિયું જ ચૂંટણીનો શોર-બકોર રહેવાનો છે તેથી તે પછી સૌરાષ્ટ્રમાં ફેલાઈ રહેલી અન્ય બીમારીઓને લઈને વધુ અસરકારક કદમ ઉઠવાય તેમ ઈચ્છીએ, કારણ કે અત્યારે ડેન્ગ્યુ, ફલૂ, શરદી-ઉધરસ અને અન્ય બીમારીઓ પણ ઝડપભેર ફેલાઈ રહ્યો છે, અને મચ્છરજન્ય અન્ય બીમારીઓ પણ વધવા લાગી છે. રાજનેતાઓને હવે ખુરશી (સત્તા) મેળવવાની ચિન્તાની સાથે સાથે ‘ખાલી ખુરશીઓ’ની ચિન્તા પણ અકળાવી રહી છે. અત્યારે લોકોને ચૂંટણીઓમાં બહુ રસ હોય તેમ પણ જણાતુ નથી. કારણ કે પરિવારનું ગુજરાન ચલાવવા અને મોંઘવારીના યુગમાં બે છેડા ભેગા કરવા મુશ્કેલી અનુભવાઈ રહી છે, તેવા પરિવારોને તો પોતાના કામ-ધંધા કે નોકરી-મજુરી કરવા ગયા વિના છુટકો જ નથી.

તેથી જ હાલાર સહિત રાજ્યભરમાં ઠેર-ઠેર રાષ્ટ્રીયકક્ષાના દિગ્ગજોની પ્રચારસભાઓમાં પણ પાંખી હાજરી જોવા મળી રહી છેે. કેટલાક સ્થળે તો પ્રેક્ષકવર્ગની તમામ ખુરશીઓ ખાલી રહેતા સ્થાનિક નેતાઓ-કાર્યકરોએ ખુરશીઓ પર હાજરી દેખાડવા કેવા કેવા નૂસ્ખા અજમાવતા હોય છે, તેના ઘણાં વીડિયો સોશ્યલ મીડિયામાં ફરી રહ્યા છે, હવે શ્રમિકોને દૈનિકભથ્થુ આપીને કે લોભ-લાલચ આપીને પણ સભાઓમાં હાજર રાખવાનું કદાચ અઘરું પડી રહ્યું, હોય તેમ ઘણી સભાઓમાં તદ્દન પાંખી હાજરી જોવા મળતા પહેલેથી જ ખુરશીઓ પાથરી રાખવાના બદલે થપ્પા રાખીને જેમ લોકો આવતા જાય તેમ ખુરશી પાથરવાની જહેમત ઘણાં સ્થળે ઉઠાવાઈ રહી છે, તો ઘણાં સ્થળે સભાના સમય પહેલા જ ‘માહોલ’ અથવા ‘સંખ્યા’ની માહિતી મેળવીને જરૃર પડ્યે ‘ટેકિનકલ’ કારણો દેખાડીને સભા રદ કરવાની જાહેરાતો પણ થઈ રહી છે. જનતાની આ નિરસતા કદાચ આંતરીક રીતે રાજકીય પક્ષો અને નેતાઓની ઊંઘ ઉડાડી રહી હશે પરંતુ શું થાય ! હવે પ્રચાર-પદ્ધતિઓ પણ બદલાઈ રહી હોય તેમ જણાય છે.

અમરેલી જિલ્લાના ત્રણ મુખ્ય પક્ષોના ઉમેદવારો તો પચાસ હજારથી ઓછી લીડની વાત કરતા જ નથી. દરેકને એમ છે કે આપડો વિજય નક્કી છે. આ માન્યતા એમના ટેકેદારોએ એમના મનમાં બેસાડી હોય છે જ્યારે કે વાસ્તવિકતા જુદી હોય છે. જે જીતશે એ બહુ પાતળી બહુમતીથી જીતશે એ એક સત્ય છે. પણ પ્રજાના મનમાં સંતોષ છે કે આક્રોશ એ રહસ્ય કોઈ જાણતું નથી.