અમરેલી જિલ્લાની રેવન્યુ કોર્ટ અને જનસેવા કેન્દ્રનો આજથી પ્રારંભ

અમરેલી,
લાંબા લોકડાઉન બાદ આજથી જિલ્લાના રેવન્યુ તંત્રમાં પુન: કામગીરીનો ધમધમાટ શરૂ થઇ જશે અને ખોરંભે પડેલા અનેક કામો શરૂ થશે કારણકે અમરેલી જિલ્લાની રેવન્યુ કોર્ટ અને જનસેવા કેન્દ્રનો આજથી પ્રારંભ થઇ રહયો છે.
આજથી ન્યાય મંદિર સિવાયની રેવન્યુ તંત્રની પ્રાંત અધિકારી વ સબ ડિવીઝનલ મેજીસ્ટ્રેટ અને મામલતદાર વ તાલુકા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટની કોર્ટનો પ્રારંભ કરવા પરિપત્ર જારી કરાયો છે કચેરીમાં કામ કાજ દરમિયાન કોરોના વાયરસ સામે સાવચેતી રાખી રજુ થનાર તમામ વસ્તુઓ સેનેટાઇઝ કરાશે અને અજદાર તથા અધિકારી અને કર્મચારીઓ માટે કચેરીમાં માસ્ક અને સોશ્યલ ડીસ્ટન્સીંગ ફરજિયાત કરાયું છે જ્યારે જનસેવા અને ઇ-ધરા કેન્દ્રોમાં અલાયદા વોચમેનની વ્યવસ્થા તથા ગોળ કુંડાળુ અને ટોકન સિસ્ટમ અમલમાં મુકાઇ છે. દરેક બિલ્ડીંગોમાં શૌચાલયમાં સાબુ અને હેન્ડ સેનેટાઇઝર મુકવા અને તેનો ફરિજયાત ઉપયોગ કરવા સુચના અપાઇ છે.
જનસેવા અને ઇ ધરા કેન્દ્રોમાં કામ કરતા દરેક કર્મચારી અને ઓપરેટર માટે ફરજિયાત પણે હેન્ડ ગ્લોવઝ અને માસ્ક સેનેટાઇઝરની વ્યવસ્થા કરી જેનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરાશે આ ઉપરાંત સહકારી મંડળી સિવાય કોઇ પણ પરિશિષ્ટ બેંકની બોજા નોંધ ઇ ધરા કેન્દ્રમાં અરજદાર મારફત ન નોંધવા અને દરેક શીડયુલ બેંકે બોજા નોંધની ઓનલાઇન એન્ટ્રી પાડવા જણાવાયુ છે આ ઉપરાંત દરેક વારસાઇ નોંધ ઓનલાઇન પધ્ધતિથી જ સ્વીકારવાની અને તેના કાગળો ઓનલાઇન મેળવવાના રહેશે સાધનિક કાગળો ન હોવાના એકમાત્ર કારણને ધ્યાને લઇ વારસાઇ નોંધ ના મંજુર નહી કરી શકાય જ્યારે ગામ નમુના 7,12 અને 8 અ ની નકલ ગ્રામ્ય કક્ષાએથી મળે તેવી વ્યવસ્થા કરવવા હુકમ કરાયો છે.