અમરેલી,કોરોના સામે છેક સુધી લડનારા અમરેલી જિલ્લામાં કોરોનાની એન્ટ્રી થયા બાદ આઠ આઠ દિવસે એક એક કેસ અને હવે બે બે દિવસે બે બે કેસ આવી રહયા છે આજે જાફરાબાદના ટીંબીમાં તબીબને અને સુરતથી અપહરણનો ભોગ બનેલ અને પરત લવાયેલ સાવરકુંડલાની યુવતીને ના રિપોર્ટ પોઝિટિવ આવતા જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા છએ પહોંચી છે. બે દિવસ પહેલા સુરતના વરાછામાંથી મહીલા પોલીસ સ્ટેશનના પીઆઇ શ્રી રબારીએ 2018ની સાલમાં દાખલ થયેલા સાવરકુંડલાના અપહરણના ગુનામાં સંડોવાયેલા આરોપીને પકડી અને જેનું જે તે સમયે અપહરણ કરાયુ હતુ ત્યારી સગીરા અને અત્યારે 19 વર્ષની સાવરકુંડલાની વતની યુવતીને સુરતથી અમરેલી લાવ્યા હતા જેના કોરોના ટેસ્ટ કરાવતા આ યુવતીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ યુવતી પોલીસ પાસે અને હોસ્પિટલમાં જ હોય તેમા ટ્રાન્સમીશનનો કોઇ ભય ન હોવાને કારણે તેના સંપર્કમાં આવેલ મહીલા પોલીસ સ્ટેશનના આઠથી નવ પોલીસ કર્મચારીઓને સરકારી ફેસેલીટમાં કવોન્ટાઇન કરવામાં આવ્યા હતા.
જયારે બીજો કેસ જાફરાબાદના ટીંબીનો સામે આવ્યો છે અહીના મૌલી રોડ ઉપર દવાખાનુ ધરાવતા ખાનગી તબીબને તકલીફ થતા લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર ટીંબી પંથકમાં ભારે ફફડાટ ફેલાયો છે.
જો કે હાલમાં ચારેક દિવસથી આ દવાખાનુ બંધ છે છેલ્લા ચારેક દિવસથી તકલીફ થતા અને 31 વર્ષના આ તબીબને કોરોનાની શંકા જતા તે સેલ્ફ કવોરન્ટાઇન થઇ ગયા હતા અને તકલીફ વધતા જાફરાબાદ સીએચસીમાંથી સેમ્પલ લેવડાવ્યું હતુ અને આજે તેનો રિપોર્ટ પોઝિટિવ આવતા સવારે તબીબને અમરેલી ખાતે ખસેડવામાં આવ્યા છે અને કલેકટરશ્રી આયુષ ઓક ખુદ અધિકારીઓ સાથે ટીંબી દોડી ગયા છે અને ટીંબીમાં સાવચેતીના પગલાઓ લેવા માટે આદેશો કરાઇ રહયા હોવાનું જાણવા મળેલ છે.